વડોદરા: વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા 25 વર્ષીય યુવકને ટેલિગ્રામ એપ મારફતે સંપર્ક સાધી સાયબર ઠગે બિટકોઇનમાં રોકાણના નામે 2,18,500 રૂપિયાની ઓનલાઇન છેતરપિંડી કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ મામલે પીડિત યુવકે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે.
ટેલિગ્રામ એપમાં મેસેજ આવ્યો
ફરિયાદ અનુસાર, ગત તા. 6 જૂન 2025ના રોજ સવારે આશરે 10:30 વાગ્યાના સુમારે યુવક પોતાના ઘરે હાજર હતો, ત્યારે તેના મોબાઇલ ફોન પર ટેલિગ્રામ એપમાં “Manish Rajput Mentor” નામના એકાઉન્ટ પરથી મેસેજ આવ્યો હતો. મેસેજમાં પોતાને મનીષ રાજપુત નામનો ટીચર બતાવી “કોઈનબેઝ એક્સચેન્જ પ્લેટફોર્મ” પર ક્લિક ડેટા ટાસ્ક પૂર્ણ કરવાની ઓફર કરવામાં આવી હતી.
બિટકોઇનમાં રોકાણ માટે રૂપિયા મોકલવા જણાવ્યું
બિટકોઇનમાં રોકાણ કરવાનો રસ હોવાથી યુવકે સંપર્કમાં આવેલા વ્યક્તિ સાથે વાતચીત શરૂ કરી હતી. ત્યારબાદ ઠગે બિટકોઇનમાં રોકાણ માટે રૂપિયા મોકલવા જણાવ્યું અને “Ashok.232@superves” નામની યુપીઆઈ આઈડી આપી હતી. વિશ્વાસમાં લઈને યુવકે ગૂગલ પે મારફતે અલગ અલગ ટ્રાન્ઝેક્શન કરીને કુલ રૂ. 2,18,500ની રકમ ટ્રાન્સફર કરી હતી.
લાંબા સમય સુધી કોઈ રકમ પરત મળી ન હતી
આરોપીએ નફા સાથે રકમ પરત આપવાનું વચન આપ્યું હતું, પરંતુ લાંબા સમય સુધી કોઈ રકમ પરત મળી ન હતી. બાદમાં યુવકે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે ઠગે કોઈ જવાબ આપ્યો નહોતો, જેથી યુવકને પોતાની સાથે છેતરપિંડી થયાનો ખ્યાલ આવ્યો હતો.
અશોક સુપરયસ નામની યુપીઆઈ આઈડીના ધારક સામે ગુનો
માંજલપુર પોલીસે યુવકની ફરિયાદના આધારે “અશોક સુપરયસ” નામની યુપીઆઈ આઈડીના ધારક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે તેમજ સાયબર ઠગ સુધી પહોંચવા માટે ટેક્નિકલ તપાસ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો---- Gujarat Flashback 2025 : બોમ્બની ધમકીનો સિલસિલો અને પકડાઇ એવી ટેકનોક્રેટ મહિલા જેણે પ્રેમનો બદલો લેવા મચાવ્યો હતો હાહાકાર