વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં પત્નીને સોશિયલ મીડિયા પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવાના મામલે એક યુવકને પતિ સહિતની ત્રિપુટીએ ઢોર માર મારતા અને ધારદાર હથિયારથી હુમલો કરતાં યુવક લોહીલુહાણ થઇ ગયો હતો. આ મામલે ગોરવા પોલીસે ત્રણ હુમલાખોરો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.


પરણિત યુવતીને તેમણે સોશિયલ મીડિયા પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી

ગોરવામાં રહેતા ધ્રુવેશભાઈ પંચાલે ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓ આઈટીએમ એસએલએસ જરોદ ખાતે અભ્યાસ કરે છે. આશરે ચાર મહિના અગાઉ તેમની સાથે અભ્યાસ કરતી પરણિત યુવતીને તેમણે સોશિયલ મીડિયા પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી, જે સ્વીકારવામાં આવી હતી. બાદમાં યુવતીએ મેસેજ કરીને ફરી સંપર્ક ન કરવા જણાવ્યું હતું.

યુવતીએ તેના પતિ પ્રતિક રબારીને જાણ કરી

આ બાબત યુવતીએ તેના પતિ પ્રતિક રબારીને જાણ કરી હતી. ત્યારબાદ પ્રતિક રબારીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી ધ્રુવેશભાઈને સંપર્ક કરી મોબાઈલ નંબર માંગ્યો હતો, પરંતુ ધ્રુવેશભાઈએ નંબર ન આપીને બંનેની આઈડી બ્લોક કરી દીધી હતી.

 મળશો નહીં તો કોલેજમાં આવી માર મારીશ

ફરિયાદ મુજબ, ગત 15 ડિસેમ્બરના રોજ પ્રતિક રબારીએ ધમકી આપતો મેસેજ કર્યો હતો કે મળશો નહીં તો કોલેજમાં આવી માર મારીશ. ત્યારબાદ ગોરવાના દશામા ચાર રસ્તા નજીક મળવા બોલાવ્યા હતા. માનવ હોસ્પિટલ પાસે પહોંચ્યા બાદ થોડા સમય પછી એક્ટિવા પર આવેલા બે શખ્સો અને પ્રતિક રબારી સહિત ત્રણ જણાએ ધ્રુવેશભાઈ સાથે ઝપાઝપી કરી માર માર્યો હતો.

પ્રતિક રબારીએ હાથમાં ધારદાર હથિયારથી હુમલો કરતા ધ્રુવેશભાઈ લોહીલુહાણ થઈ ગયા

આ દરમિયાન પ્રતિક રબારીએ હાથમાં ધારદાર હથિયારથી હુમલો કરતા ધ્રુવેશભાઈ લોહીલુહાણ થઈ ગયા હતા. તેઓ જીવ બચાવવા પોતાના ઘરે ભાગ્યા હતા. હુમલાખોરો પાછળ આવ્યા હતા, પરંતુ યુવક ઘર સુધી પહોંચી જતા તેઓ ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

ગોરવા પોલીસે ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો

આ સમગ્ર ઘટનાને લઈને ગોરવા પોલીસે ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.


આ પણ વાંચો----  Surat Breaking News : ડબલ મર્ડરના આરોપી પર પોલીસનું ફાયરિંગ

  • Follow us on: