વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કંડારી ગામના એક યુવકને રશિયામાં નોકરી અપાવવાના બહાને ભેજાબાજોએ રૂ. 3 લાખ પડાવી વર્ક પરમિટ વિઝાના બદલે વિઝિટર વિઝા આપી છેતરપિંડી કરી હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. આ મામલે ગોરવા પોલીસે ચાર આરોપીઓ સામે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ
કંડારી ગામના રહેવાસી જીગ્નેશકુમાર સુંદરલાલ ડાભીએ ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમને રશિયામાં નોકરી મળવાની વાત હતી. આ અંગે તેમણે પોતાના સબંધી વિનોદભાઈ મણિલાલ વણકરને વાત કરતા વિનોદભાઈએ તેમનો સંપર્ક ગોરવા રિફાઇનરી રોડ સ્થિત લક્ષ્મીકુંજ સોસાયટીમાં રહેતા નીતિનભાઈ માનસિંહ પરમાર સાથે કરાવ્યો હતો.
મહિને રૂ. 70 હજારથી 1 લાખ સુધી પગાર મળશે તેમ કહી જીગ્નેશકુમારનો વિશ્વાસ કેળવ્યો
તા. 9 જૂન 2025ના રોજ નીતિનભાઈ સાથે થયેલી મુલાકાત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે તેઓ નક્ષ વર્લ્ડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કામ કરે છે, જેના માલિક ભાવેશભાઈ મોહનભાઈ મકવાણા અને હિતેશભાઈ જશવંતસિંહ સોલંકી છે. રશિયામાં વર્ક પરમિટ વિઝા માટે રૂ. 3 લાખ ખર્ચ થશે અને મહિને રૂ. 70 હજારથી 1 લાખ સુધી પગાર મળશે તેમ કહી જીગ્નેશકુમારનો વિશ્વાસ કેળવ્યો હતો.
વોટ્સએપ મારફતે ઈ-વિઝા લેટર મોકલી વિઝા આવી ગયો
વિશ્વાસમાં આવીને જીગ્નેશકુમારે પોતાનો પાસપોર્ટ સહિતના જરૂરી દસ્તાવેજો નીતિનભાઈને સોંપ્યા હતા. દસ દિવસમાં વિઝા થઈ જશે તેવી ખાતરી આપવામાં આવી હતી. ત્યારબાદ વોટ્સએપ મારફતે ઈ-વિઝા લેટર મોકલી વિઝા આવી ગયો હોવાનું કહી રૂ. 3 લાખ ભરવા જણાવ્યું હતું.
અમદાવાદ-દિલ્હી-મોસ્કોની ફ્લાઇટ ટિકિટ આપવામાં આવી
તા. 26 જૂન 2025ના રોજ જીગ્નેશકુમારે નીતિનભાઈની ઓફિસે જઈ રોકડા રૂ. 3 લાખ ચૂકવ્યા હતા. બાદમાં ટિકિટ, ગ્રીન કાર્ડ તેમજ રહેવા-જમવાની વ્યવસ્થા કરી આપવાની વાત કરી હતી. તા. 30 જુલાઈ 2025ના રોજ અમદાવાદ-દિલ્હી-મોસ્કોની ફ્લાઇટ ટિકિટ આપવામાં આવી હતી.
એજન્ટ અરુણ વર્મા મારફતે અલગ-અલગ જગ્યાએ રાખવામાં આવ્યા
રશિયા પહોંચ્યા બાદ કંપનીના માલિક હિતેશભાઈ સોલંકીએ હોટલ બુકિંગ કરાવવાનું કહ્યું હતું, પરંતુ કોઈ વ્યવસ્થા કરવામાં આવી નહોતી. ત્યારબાદ તેમના એજન્ટ અરુણ વર્મા મારફતે અલગ-અલગ જગ્યાએ રાખવામાં આવ્યા, પરંતુ કોઈ નોકરી આપવામાં આવી નહોતી.
વર્ક પરમિટ વિઝાના બદલે વિઝિટર વિઝા આપવામાં આવ્યો
પછી ખુલાસો થયો કે વર્ક પરમિટ વિઝાના બદલે વિઝિટર વિઝા આપવામાં આવ્યો હતો, જેના કારણે નોકરી કે રહેવાની કોઈ સુવિધા મળી નહોતી. વિઝાની મુદત પૂર્ણ થતાં જીગ્નેશકુમાર તા. 15 ઓગસ્ટ 2025ના રોજ ભારત પરત ફર્યા હતા. પરત આવી આરોપીઓને પૂછતાં કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવ્યો નહોતો.
4 શખ્સ સામે ફરિયાદ
આ મામલે ગોરવા પોલીસે નીતિનભાઈ પરમાર, હિતેશભાઈ સોલંકી, ભાવેશભાઈ મકવાણા અને વિનોદભાઈ વણકર સામે છેતરપિંડીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો--- Gujarat Flashback 2025 : ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ ક્ષેત્રમાં 2025નું વર્ષ મહત્વનું રહ્યું, રેકોર્ડબ્રેક હિટ અને રાષ્ટ્રિય પુરસ્કાર પણ જીત્યા