વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં આવેલા ખેરવાડી પાસેના ડુંગરાળ વિસ્તારમાં એક અત્યંત દુખદ ઘટના સામે આવી છે. ધુળેટીની રજાના દિવસે ફરવા નીકળેલા રિક્ષા ચાલકનું પાણીના કુંડમાં ડૂબી જવાથી મોત નિપજ્યું છે. વડોદરા ફાયર બ્રિગેડની કલાકોની જહેમત બાદ આજે ડુંગરના કુંડમાંથી રિક્ષા ચાલક અનિલ પટેલનો મૃતદેહ મળી આવ્યો છે.


વિદ્યાર્થીઓને ફરવા લઈ ગયો હતો

પ્રાપ્ત વિગતો અનુસાર, વાઘોડિયાના લીમડા ગામના રહેવાસી રિક્ષા ચાલક અનિલ સુરેશ પટેલ ધુળેટીની રજાના દિવસે પારુલ યુનિવર્સિટીના કેટલાક વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડીને ખેરવાડી પાસેના ડુંગર વિસ્તારમાં ફરવા માટે લઈ ગયા હતા. ડુંગરની તળેટીમાં રિક્ષા ઉભી રાખ્યા બાદ તેઓ ડુંગર પર ફરવા ગયા હતા. આ દરમિયાન પાણીથી ભરેલા એક કુંડ પાસે તેઓ હાથ-પગ ધોવા માટે ઉતર્યા હતા.

હાથ-પગ ધોવા જતા કાળ આંબી ગયો

કુંડમાં હાથ-પગ ધોતી વખતે અચાનક અનિલભાઈનો પગ લપસતા તેઓ ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. સાથે રહેલા વિદ્યાર્થીઓએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ વડોદરા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. લાંબી શોધખોળ બાદ કુંડમાંથી તેમનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. વાઘોડિયા પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


આ પણ વાંચો - Vadodara: બાપોદમાં યુવતીને ઘરે બોલાવી આચર્યું દુષ્કર્મ, ફરિયાદના આધારે તપાસ શરૂ


  • Follow us on: