વલસાડ-ડાંગ લોકસભા બેઠકના સાંસદ અને પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ધવલ પટેલે વલસાડના ફ્લધરા ગામે વિરોધ પક્ષ આમ આદમી પાર્ટીના સૂપડા સાફ કરી દીધા છે. સાંસદ ધવલ પટેલે અગાઉ આપેલા વચન મુજબ, ફ્લધરા ગામે 'આપ'ના સંગઠનમાં મોટું ગાબડું પાડતા આશરે 300 થી 400 જેટલા સક્રિય કાર્યકર્તાઓને ભાજપમાં સામેલ કર્યા છે. એક ભવ્ય કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષોએ સાંસદના હસ્તે ભાજપનો કેસરીયો ખેસ ધારણ કર્યો હતો. આ ઘટનાને કારણે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા દક્ષિણ ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું સંગઠન નબળું પડ્યું હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે.
ચૈતર વસાવા પર સાધ્યું નિશાન
આ પ્રસંગે સાંસદ ધવલ પટેલે વિરોધ પક્ષના નેતાઓ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ખાસ કરીને કોંગ્રેસના ધારાસભ્ય અન્નત પટેલ અને 'આપ'ના નેતા ચૈતર વસાવા પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, આ નેતાઓ માત્ર વિરોધનું રાજકારણ રમે છે, જ્યારે ભાજપ વિકાસમાં માને છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, 'આપ'ના કાર્યકર્તાઓ પાર્ટીની નીતિઓથી કંટાળીને અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિશ્વાસ મૂકીને ભાજપમાં જોડાયા છે. ભાજપના આ શક્તિ પ્રદર્શનથી ફ્લધરા અને આસપાસના વિસ્તારોમાં રાજકીય ગરમાવો આવી ગયો છે.













