વલસાડના ઉમરગામ તાલુકામાં આવેલી સરીગામ GIDC માં આજે અચાનક ગેસ લીકેજ થવાની ઘટના સામે આવી છે. વાતાવરણમાં કેમિકલયુક્ત ગેસ પ્રસરી જતાં આસપાસના વિસ્તારમાં રહેતા લોકો અને કંપનીના કામદારોમાં ગભરાટ ફેલાયો હતો. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.


લોકોને શારીરિક તકલીફો અને વાયરલ વીડિયો

ગેસ લીકેજની તીવ્રતા એટલી હતી કે નજીકના રહેણાંક વિસ્તારોમાં રહેતા લોકોને તેની અસર વર્તાવા લાગી હતી: ગેસના કારણે મોટી સંખ્યામાં લોકોને આંખોમાં અતિશય બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ જેવી ફરિયાદો ઉઠી હતી. ગેસ લીકેજ બાદ સર્જાયેલા માહોલ અને લોકોની હાલાકીના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, જેમાં લોકો જીવ બચાવવા દોડતા અને બચાવ કામગીરી થતી જોઈ શકાય છે.

તંત્રની કાર્યવાહી અને સ્થાનિકોનો રોષ

ઘટનાની જાણ થતા જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા: ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) ના અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા છે. કઈ કંપનીમાંથી અને કયા પ્રકારના ગેસનું લીકેજ થયું છે તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે સરીગામ GIDCમાં આ પ્રકારે ગેસ લીકેજ થવાની ઘટનાઓ વારંવાર બને છે. તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થઈ રહ્યા હોવાનો રોષ લોકો વ્યક્ત કરી રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: