ગુજરાતના સરહદી અને ઔદ્યોગિક વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી નાગરિકો સામે વલસાડ પોલીસ વિભાગ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. વલસાડ જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એક્શન મોડમાં આવ્યું છે અને જિલ્લાભરમાં 'ઓપરેશન બાંગ્લાદેશી' અંતર્ગત મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. SOGની આ કડક કાર્યવાહીથી ગેરકાયદેસર રીતે રહેતા તત્વોમાં ફફડાટ મજી ગયો છે.



ઉમરગામ, સંજાણ અને વાપીમાં રેડ

મળતી માહિતી અનુસાર, વલસાડ એસઓજી પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં અલગ-અલગ ટીમો બનાવીને ઓચિંતા દરોડા પાડવામાં આવ્યા હતા. SOGની ટીમે ખાસ કરીને ઉમરગામ, સંજાણ અને વાપી જેવા ઔદ્યોગિક અને ગીચ વસ્તી ધરાવતા વિસ્તારોમાં વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.


20 શંકાસ્પદોની અટકાયત, પૂછપરછ શરૂ

આ મેગા સર્ચ ઓપરેશન દરમિયાન SOGની ટીમે અલગ-અલગ સ્થળોએથી આશરે 20 જેટલા શંકાસ્પદ લોકોને રાઉન્ડઅપ કરીને તેમની અટકાયત કરી છે. પકડાયેલા તમામ શંકાસ્પદ વ્યક્તિઓ પાસે ભારતીય નાગરિકતાના પુરાવા અને જરૂરી દસ્તાવેજો અંગે સઘન પૂછપરછ અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે.


6 બાંગ્લાદેશીઓની ધરપકડ, ડિપોર્ટ કરાશે

દરોડા દરમિયાન પ્રાથમિક તપાસ અને પૂછપરછના અંતે 6 જેટલા બાંગ્લાદેશી નાગરિકો ગેરકાયદેસર રીતે રહેતા હોવાનું સામે આવ્યું હતું. જેથી વલસાડ SOG દ્વારા આ 6 બાંગ્લાદેશીઓની સત્તાવાર રીતે ધરપકડ કરી લેવામાં આવી છે. આ તમામ ઘૂસણખોરોને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી પોતાના દેશ પરત મોકલવા માટે (ડિપોર્ટ કરવાની) વહીવટી પ્રક્રિયા પણ ત્વરિત ધોરણે હાથ ધરી દેવામાં આવી છે.


મોટા ખુલાસા થવાની સંભાવના

અત્રે ઉલ્લેખનીય છે કે, વલસાડ એસ.ઓ.જી.નું આ 'ઓપરેશન બાંગ્લાદેશી' હજુ પણ યથાવત છે અને જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ શંકાસ્પદ સ્થળોએ તપાસનો ધમધમાટ ચાલુ રાખવામાં આવ્યો છે, જેથી આગામી સમયમાં અન્ય મોટા ખુલાસા થવાની પણ સંભાવના છે.


આ પણ વાંચો - Valsad : પલસાણામાં અબોલ પશુઓ પર નરાધમોનો એસિડ એટેક, પીઠ-પેટની ચામડી ઉખડી જતાં પશુઓ લોહીલુહાણ


  • Follow us on: