ખાડી દેશોમાં હાલમાં પ્રવર્તી રહેલી યુદ્ધ જેવી તણાવપૂર્ણ સ્થિતિને ધ્યાનમાં રાખીને વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલે વતનથી દૂર પરદેશમાં ફસાયેલા લોકોને સુરક્ષિત પરત લાવવા માટે એક વિશેષ હેલ્પલાઇન સેવા શરૂ કરી છે. દક્ષિણ ગુજરાતના અનેક લોકો રોજગારી અર્થે ખાડી દેશોમાં સ્થાયી થયા છે, ત્યારે યુદ્ધના માહોલમાં તેમના પરિવારોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આ કપરી પરિસ્થિતિમાં સાંસદની આ પહેલથી અસરગ્રસ્ત પરિવારોમાં આશાનું કિરણ જાગ્યું છે.
મદદ માટે આવેલા લોકોને સાંસદે સાત્વના આપી
સાંસદ ધવલ પટેલે જાહેર અપીલ કરતા જણાવ્યું છે કે, જો કોઈ પણ વ્યક્તિ ખાડી દેશમાં ફસાયું હોય અથવા મુશ્કેલીમાં હોય, તો તેઓ અથવા તેમના પરિવારો તાત્કાલિક આ હેલ્પલાઇનનો લાભ લઈ શકે છે. અત્યાર સુધીમાં અંદાજે 47 જેટલા લોકોએ આ હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરીને મદદની માંગ કરી છે. સાંસદે રૂબરૂ મુલાકાત કરનારા અને ફોન પર મદદ માંગનારા તમામ લોકોને સાંત્વના આપતા ખાતરી આપી છે કે ભારત સરકારના વિદેશ મંત્રાલય સાથે સંકલન સાધીને દરેક નાગરિકને સુરક્ષિત પરત લાવવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવશે.













