વલસાડ જિલ્લામાં NH-56ના ખાનપુર–કરવડ રોડમાં સુધારો અને વિસ્તરણ માટે કેન્દ્ર સરકાર દ્વારા 647.20 કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે. આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ હેઠળ કુલ 45 કિમી લાંબા રોડને આધુનિક ધોરણો મુજબ વિકસાવવામાં આવશે, જેમાં માર્ગને 4-લેન તેમજ 2-લેન વિથ પેવ્ડ શોલ્ડર રૂપરેખામાં અપગ્રેડ કરવામાં આવશે.



આ પ્રોજેક્ટમાં 5 મુખ્ય પુલોના નિર્માણનો પણ સમાવેશ

ખાસ કરીને 21.25 કિમીનો ભાગ, જે વસાહતી અને બિલ્ટ-અપ વિસ્તારોમાંથી પસાર થાય છે, તેને 4-લેન રોડ તરીકે વિકસાવવામાં આવશે. પ્રોજેક્ટમાં કાંકરીટ (રિજિડ પેવમેન્ટ) માર્ગનું નિર્માણ કરવામાં આવશે, જે વધતા ટ્રાફિક ભારને સહન કરી શકશે અને વધુ ટકાઉ સાબિત થશે. વલસાડ જિલ્લામાં ભારે વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કાંકરીટ માર્ગનો વિકલ્પ પસંદ કરવામાં આવ્યો છે, જેથી માર્ગની દીર્ઘકાલીન મજબૂતી અને જાળવણી ખર્ચમાં ઘટાડો થાય. આ પ્રોજેક્ટ અંતર્ગત 5 મુખ્ય પુલોના નિર્માણનો પણ સમાવેશ થાય છે. આ અંગેની જાણકારી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ટ્વીટ કરીને આપી છે.

મુસાફરોની અવરજવર ઝડપી અને સુગમ બનશે

આ સાથે જ સુધારેલા રસ્તા, આધુનિક રોડ સેફ્ટી સુવિધાઓ અને ટ્રાફિક વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં આવશે, જેથી મુસાફરોને વધુ સુરક્ષિત અને સરળ યાત્રાનો અનુભવ મળી શકે. માર્ગ સુધારા બાદ આ વિસ્તારની કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે, જેના કારણે માલસામાન અને મુસાફરોની અવરજવર ઝડપી અને સુગમ બનશે. આ પ્રોજેક્ટથી વેપાર-ધંધામાં વૃદ્ધિ થશે, સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે અને રોજગાર તકો ઊભી થશે. સમગ્ર પ્રોજેક્ટ વલસાડ તથા આસપાસના વિસ્તારોના સામાજિક અને આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

આ પણ વાંચો : Anand : મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણ દૂર કરાયા, 50 ગુંઠા જેટલી જમીન ખુલ્લી કરાઈ


  • Follow us on: