ગાંધીનગર સ્ટેટ ટ્રાફિક ઝોનના આઈજી (IG) મનોજ નિનામા હાલ બનાસકાંઠા જિલ્લાના પ્રવાસે છે. રાજ્ય સરકારના વિશેષ પરિપત્ર મુજબ, તેમણે આજે થરાદ અને વાવ પંથકના પોલીસ સ્ટેશનોની ઓચિંતી મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય પોલીસ સ્ટેશનમાં આવતા સામાન્ય નાગરિકોને મળતી સુવિધાઓ અને પોલીસની કાર્યશૈલીની તપાસ કરવાનો છે. પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ અરજદારો સાથે કેવો વ્યવહાર કરે છે તે આઈજી પોતે રૂબરૂ જાણી રહ્યા છે.


સરકારના પરિપત્ર મુજબ લીધી મુલાકાત

નાગરિકો દ્વારા કરવામાં આવેલી અરજીઓ અને ફરિયાદોનો સમયસર નિકાલ થાય છે કે નહીં તેની ફાઈલો ચકાસવામાં આવશે. સરકારના પોર્ટલ પર કરાયેલી ઓનલાઈન ફરિયાદો અંગે પોલીસ કેટલી ગંભીર છે અને તેમાં કેવી રીતે કામગીરી કરવામાં આવે છે તેની ખાસ તપાસ IG દ્વારા કરવામાં આવશે. IG મનોજ નિનામા આગામી દિવસોમાં જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોની વિઝિટ લેવાના છે.

અરજદારની ફરિયાદોનો નિકાલ થાય છે કે નહીં તે જોશે

આ મુલાકાત દરમિયાન તેઓ વિઝિટ સમયની હકીકત, કામગીરીની ગુણવત્તા અને પોલીસની શિસ્તની સમીક્ષા કરશે. ઉચ્ચ અધિકારીના આ પ્રવાસને પગલે સ્થાનિક પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ છે. આ મુલાકાતથી પોલીસ સ્ટેશનોમાં વહીવટી પારદર્શિતા વધશે અને અરજદારોની સમસ્યાઓનો ઝડપથી ઉકેલ આવશે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: