ગુજરાત રાજ્યના 77મા પ્રજાસત્તાક દિનની રાજ્યકક્ષાની ઉજવણી આ વર્ષે વિશેષ બની રહેશે, કારણ કે તેનું આયોજન નવરચિત વાવ-થરાદ જિલ્લામાં કરવામાં આવ્યું છે. આ રાષ્ટ્રીય પર્વની પૂર્વ સંધ્યાએ, એટલે કે 25 જાન્યુઆરીના રોજ સાંજે 06:00 કલાકે, થરાદના મલુપુર સ્થિત હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે એક ભવ્યાતિભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું છે.


વાવ-થરાદ જિલ્લો પરિચય પુસ્તિકા'નું વિમોચન કરાશે

આ ગરિમામય અવસરે રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહી જનમેદનીને સંબોધિત કરશે. કાર્યક્રમની શરૂઆત જિલ્લા કલેક્ટરના સ્વાગત પ્રવચનથી થશે. આ પ્રસંગે જિલ્લાની વિશિષ્ટ પ્રતિભાશાળી વ્યક્તિઓનું સન્માન કરવામાં આવશે. સાથે જ, જિલ્લાની ઓળખ આપતી 'વિકાસ, વિરાસત અને વિશ્વાસ' પ્રતિક સમી 'વાવ-થરાદ જિલ્લો પરિચય પુસ્તિકા'નું વિમોચન મહાનુભાવોના હસ્તે કરવામાં આવશે.

ઉજવણી માત્ર સાંસ્કૃતિક જ નહીં પરંતુ વિકાસલક્ષી પણ બની રહેશે

77માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ઉજવણી માત્ર સાંસ્કૃતિક જ નહીં પરંતુ વિકાસલક્ષી પણ બની રહેશે, જેમાં જિલ્લાના વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ હાથ ધરાશે. રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા તૈયાર કરાયેલ 60 મિનિટનો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ આકર્ષણનું કેન્દ્ર બનશે, જેમાં દેશભક્તિ અને સ્થાનિક સંસ્કૃતિનો અદભૂત સંગમ જોવા મળશે.

નાગરિકોને ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું

જિલ્લા તંત્ર દ્વારા આ ઐતિહાસિક પળના સાક્ષી બનવા માટે તમામ નાગરિકોને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. સરહદી પંથકમાં આ પ્રકારની પ્રથમ રાજ્યકક્ષાની ઉજવણીને લઈને સ્થાનિકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોઃ 

  • Follow us on: