વાવ- થરાદ જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશભાઈ પટેલ તથા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં આજરોજ થરાદ કલેકટર કચેરી ખાતે આગામી ૨૬મી જાન્યુઆરી, ૨૦૨૬ના રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણીની તૈયારીઓ તથા નવ નિર્મિત વાવ-થરાદ જિલ્લાના વિકાસ કાર્યોની સ્થિતિને લઈને અધિકારીશ્રીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. રાજ્ય સરકાર નવા બનેલા વાવ - થરાદ જિલ્લા ખાતે આગામી રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી કરશે જેમાં એટ હોમ કાર્યક્રમ, સાંસ્કૃતિક કાર્યક્રમ અને મુખ્ય કાર્યક્રમની ઉજવણી કરાશે.
થરાદમાં થશે 26 જાન્યુઆરીની રાજ્યકક્ષાની ઉજવણી
આ બેઠકમાં પ્રભારી મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર આગામી ૨૬મી જાન્યુઆરીના પ્રજાસત્તાક દિનની ઉજવણી વાવ - થરાદ જિલ્લામાં થવા જઈ રહી છે ત્યારે તેનું ભવ્ય અને સુવ્યવસ્થિત રીતે આયોજન થાય તે જરૂરી છે. નવનિર્મિત વાવ- થરાદ જિલ્લામાં પ્રથમ વખત રાજ્ય કક્ષાનો પ્રજાસત્તાક દિન યોજાવાનો હોવાથી તમામ વિભાગો સંકલિત રીતે કાર્ય કરી જિલ્લાવાસીઓ માટે આ ઉજવણી ગૌરવભરી અને યાદગાર બનાવે તે જરૂરી છે.
3થી વધુ વિધાનસભા બેઠકના કાર્યકરો સાથે બેઠક
મંત્રીએ જણાવ્યું હતું કે, વાવ- થરાદ જિલ્લાનો સર્વાંગી વિકાસ થાય તે માટે સરકાર આરોગ્ય, શિક્ષણ, સ્વચ્છતા તથા નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના વિકાસ કાર્યો પર સતત ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. જિલ્લામાં વરસાદી પાણીનો કાયમી ઉકેલ, વરસાદથી નુકસાન પામેલા રોડ- રસ્તાની સમયસર મરામત, જરૂરી હ્યુમન રિસોર્સ તથા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ઉપલબ્ધતા તેમજ ઘર- ઘર સુધી શુદ્ધ પીવાનું પાણી પહોંચે તે માટે અસરકારક અમલવારી પર ખાસ ભાર મૂક્યો હતો. બેઠકમાં છેલ્લા એક વર્ષ દરમિયાન થયેલા માર્ગ ધોવાણની વિગતવાર યાદી મંગાવી, નુકસાનગ્રસ્ત માર્ગોની તાત્કાલિક મરામત કરવાની સૂચના આપવામાં આવી હતી.
પ્રજાસત્તાક દિનની ઉજવણી અંગે કરી ચર્ચા
આ બેઠકમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, નવનિર્મિત વાવ- થરાદ જિલ્લામાં તમામ સરકારી કચેરીઓ સુચારુ રીતે કાર્યરત બને તે માટે સંકલિત પ્રયાસો જરૂરી છે. તેમણે વિકાસ કાર્યોમાં ઝડપ લાવવા, વિવિધ વિભાગોમાં રહેલી પેન્ડન્સીનો સમયસર નિકાલ કરવા તથા વાવ - થરાદ જિલ્લો રાજ્યમાં સર્વશ્રેષ્ઠ જિલ્લો બને તે દિશામાં કામ કરવા જણાવ્યું હતું. રાજ્ય સરકાર પ્રજાની પડખે ઊભી છે ત્યારે છેવાડાના વ્યક્તિના વિકાસ માટે આપણે સૌકોઈ સાથે મળીને પ્રયાસ કરવા જોઈએ. આ બેઠક દરમિયાન નવનિર્મિત વાવ- થરાદ જિલ્લામાં તમામ સરકારી કચેરીઓ સુચારુ રીતે કાર્યરત બને તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે વિવિધ વિભાગોમાં રહેલી પેન્ડન્સી તેમજ રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી માટે જરૂરી આયોજન અને વ્યવસ્થાઓ અંગે અધિકારીઓ સાથે વિગતવાર સમીક્ષા કરાઈ હતી.
આ પણ વાંચોઃ Surat : કીમ પોલીસ મથકના પી.આઈ. અને વકીલ 3 લાખની લાંચ લેતા ઝડપાતા ખળભળાટ, ગુજસીટોકની કલમ ન ઉમેરવાના બદલે માગ્યા હતા 10 લાખ