ઉત્તર ગુજરાતના વાવ થરાદ જિલ્લામાં ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. કેનાલમાં ગાબડા પડવાથી ખેતરોમાં પાણી ભરાઈ જવાથી પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ચાલુ સિઝનમાં સમગ્ર જિલ્લામાં સાતથી આઠ કેનાલમાં ગાબડા પડ્યા હોવાનું સામે આવ્યું છે. બે દિવસ પહેલા જ જે કેનાલનું સમારકામ કરવામાં આવ્યું હતું તે જ કેનાલ આજે ફરીવાર તૂટી ગઈ હતી.
આછુંવા ગામની સીમમાં કેનાલમાં પડ્યું ગાબડું
વાવ થરાદ જિલ્લામાં કેનાલમાં ગાબડ પડવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. ઓછુવા ગામની સીમમાં બે દિવસ પહેલા જ માઈનોર કેનાલ નંબરમાં બેમાં ગાબડુ પડ્યું હોવાથી તેનું સમારકામ કરવામાં આવ્યુ હતું. આજે તે જ કેનાલ ફરીવાર તૂટી જતાં કામની ગુણવત્તા સામે સવાલો ઉભા થયાં છે. આ કેનાલમાં ફરીવાર ગાબડુ પડતાં ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. ખેડૂતોના પાકને આ પાણીને કારણે નુકસાન થાય તેવી ભીતિ સેવાઈ રહી છે.













