ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં ગત તારીખ 19ની વહેલી પરોઢે થયેલી આધેડની હત્યાના મામલે પોલીસે ગણતરીના દિવસોમાં મોટી સફળતા મેળવી છે. મુખ્ય બજારમાં આવેલા સુભાષ રોડ પર 50 વર્ષીય પુનાભાઈ સોલંકીની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી, જેમાં પોલીસે હવે કુલ 6 આરોપીઓને દબોચી લીધા છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે મૃતક પુનાભાઈને તેમના સાળા સાથે લાંબા સમયથી મનદુઃખ ચાલી રહ્યું હતું. આ અદાવતમાં સાળા, પાટલા સાસુ અને અન્ય સંબંધીઓએ મળીને ગેરકાયદે મંડળી રચી પુનાભાઈ પર જીવલેણ હુમલો કર્યો હતો.


મૃતક માટે સાળા સાથેનું મનદુઃખ જીવલેણ બન્યું

આરોપીઓએ પથ્થર જેવા હથિયારો વડે હુમલો કરી તેમને મોતને ઘાટ ઉતાર્યા હતા. પોલીસે ઘટનામાં વપરાયેલ લોહીલુહાણ પથ્થર સહિતનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. મૃતકની પત્ની મંગુબેન સોલંકીએ નોંધાવેલી ફરિયાદના આધારે વેરાવળ પોલીસે તપાસ તેજ કરી હતી. બે દિવસની જહેમત બાદ પોલીસે બે મહિલાઓ સહિત કુલ 6 આરોપીઓની ધરપકડ કરી છે. જાહેર રોડ પર થયેલી આ હત્યાથી શહેરમાં ભયનો માહોલ હતો, પરંતુ આરોપીઓની ધરપકડ થતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: