વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના ખેરવાડી ગામમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. અહીં સુરતળાવ માઇનોર કેનાલ તૂટવાને કારણે નર્મદાના નીરનો મોટાપાયે વેડફાટ થઈ રહ્યો છે. કેનાલના ઓવરફ્લો થયેલા પાણી ગામની નવી નગરીમાં લોકોના ઘરો સુધી પહોંચી જતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.


શું છે વિવાદનું મુખ્ય કારણ?

સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, સુરતળાવ માઇનોર કેનાલના ધાબા અત્યંત જર્જરિત હાલતમાં છે. બીજી તરફ, ખેડૂતોએ કેનાલની બાજુમાં જ એક કાંસ બનાવી છે, જેના દ્વારા તેઓ ખેતરમાં પાણી લઈ જાય છે. જોકે, આ કાંસમાં ઝાડી-ઝાંખરા ઉગી નીકળ્યા હોવાથી અને તે છીછરી હોવાથી પાણી આગળ વધી શકતું નથી. પરિણામે પાણી ઓવરફ્લો થઈને લોકોના ઘરોની પાછળના ભાગમાં ઘૂસી ગયું છે.

તંત્રની બેદરકારી અને આંતરિક સંઘર્ષ

નર્મદા નિગમ દ્વારા કેનાલના સમારકામ કે સફાઈ બાબતે રાખવામાં આવતી ઉદાસીનતા હવે લોકો માટે માથાનો દુખાવો બની છે. દર વર્ષે ઉભી થતી આ સમસ્યાને કારણે ખેડૂતો અને સ્થાનિક રહીશો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાય છે. રહીશોનો આક્ષેપ છે કે, તંત્રની લાપરવાહીને કારણે અમારે હાલાકી ભોગવવી પડે છે અને ખેડૂતો સાથે વિવાદમાં ઉતરવું પડે છે. નર્મદા નિગમ વહેલી તકે આ માઇનોર કેનાલનું સમારકામ કરે તેવી માગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો - Vadodara News : વડોદારા એલસીબી ઝોન-3નો સપાટો, આઈસરમાંથી બીયરનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો


  • Follow us on: