વડનગરના અતિ પ્રાચીન હાટકેશ્વર મંદિરના ટ્રસ્ટીઓને બરખાસ્ત કરી ચેરિટી કમિશનરે વહિવટદારની નિમણૂંક કરતાં વડનગરમાં ખળભળાટ મચી ગયો છે. મહેસાણા જિલ્લાના ઐતિહાસિક અને પૌરાણિક વડનગરમાં આવેલા નાગર જ્ઞાતિના આરાધ્ય દેવ એવા અતિ પ્રાચીન હાટકેશ્વર મહાદેવ મંદિરના વહીવટને લઈને છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલા આંતરિક વિવાદ અંત આવ્યો છે. જોઈન્ટ ચેરિટી કમિશનરે ઐતિહાસિક ચૂકાદો આપતા વર્તમાન તમામ ટ્રસ્ટીઓની સત્તાવાર માન્યતા રદ કરી દીધી છે. તેમને તાત્કાલિક અસરથી પદભ્રષ્ટ કરવાનો આદેશ જારી કર્યો છે.
વડનગરના રાજકીય વર્તુળોમાં હોબાળો મચી ગયો
કોર્ટે પણ અવલોકનમાં સ્પષ્ટ સ્વીકાર્યું છે કે વર્તમાન વહીવટદારોની નિમણૂક ટ્રસ્ટના મૂળ બંધારણ અને કાયદાકીય પ્રક્રિયા અનુસાર થઈ જ નહોતી. આ આદેશની સાથે જ મંદિરના સુચારુ અને પારદર્શક સંચાલન માટે મહેસાણા ચેરિટી કમિશનર કચેરીના સત્તાવાર નિરીક્ષકને તાત્કાલિક અસરથી મંદિરના મુખ્ય વહીવટદાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અડધી રાત્રે પોલીસ બંદોબસ્ત સાથે કબજો લેવાની વાત જાણી વડનગરના રાજકીય વર્તુળોમાં હોબાળો મચી ગયો છે.
ચેરિટી કમિશનર દ્વારા હુકમ કરવામાં આવ્યો
તા.12મી જૂન 2026ની મોડી સાંજે ચેરિટી કમિશનર દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો. આદેશની ગંભીરતા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને, મહેસાણા ચેરિટી કમિશનર કચેરીના ઉચ્ચ અધિકારીઓની એક વિશેષ ટીમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને હથિયારધારી કાફલા સાથે મોડી રાત્રે 2 વાગ્યે વડનગર મંદિર પરિસરમાં પહોંચી હતી. ચેરિટી તંત્રની આ અણધારી કાર્યવાહીથી સ્થાનિક સ્તરે દોડધામ મચી ગઈ હતી. સરકારી ટીમ જ્યારે વહીવટ સંભાળવા પહોંચી ત્યારે હાજર રહેલા ટ્રસ્ટીઓએ સરકારી આદેશનો અનાદર કરવાનો પ્રયાસ કર્યો હતો. તેઓએ મંદિરની મુખ્ય ઓફિસ, વહીવટી રૂમો અને તિજોરીઓને તાળાં મારી દીધાં હતાં.
તાજેતરના આદેશ બાદ મંદિરનું સંચાલન બદલાયું
મહેસાણા ચેરિટી કમિશનર દ્વારા કલમ 41એ હેઠળ લેવાયેલા તાજેતરના આદેશ બાદ મંદિરનું સંચાલન બદલાયું છે, જેને પગલે પક્ષકારો વચ્ચે કાનૂની લડાઈ તેજ બની છે. જોકે, આ સમગ્ર સરકારી પ્રક્રિયા સામે મંદિરના વર્ષો જૂના પૂજારી પરિવારે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. છેલ્લા 120 વર્ષ અને 3 પેઢીથી અહીં પરંપરાગત સેવા-પૂજા કરતા પરિવારે સ્પષ્ટ કર્યું છે કે, જ્યાં સુધી કોઈ કાયદેસરની લેખિત નોટિસ નહીં મળે ત્યાં સુધી તેઓ મંદિર છોડવાના નથી. પૂજારી પક્ષના એડવોકેટ જે. જે. પંડ્યાએ જણાવ્યું કે, પેઢીઓથી ચાલતા પૂજાના અધિકારો છીનવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
આ પણ વાંચોઃ Gandhinagar Farmers Protest: હજારો ટ્રેક્ટરોના કાફલા સાથે સરકાર સામે મોરચો, ટ્રાફિક ચક્કાજામ!