મહેસાણાના કડીના નાનીકડીમાં એક પાર્ટી પ્લોટમાં ગઈકાલે સાંજે 27 કડવા પાટીદાર સમાજનું સંમેલન યોજાયું હતુ અને સંમેલનમાં સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા, સમાજમાં દીકરીના પ્રશ્નોને લઈ ખાસ ચર્ચા કરવામાં આવી હતી અને સમાજમાં હજુ પણ લોકો એક સંપ થાય તેને લઈ આ સંમેલન યોજાયું હતુ. સંમેલનમાં દરેક લોકોએ એક બીજાન પ્રશ્નો પણ સાંભળ્યા હતા અને તેની પર ચર્ચા કરાઈ હતી.
સમાજના યુવાનો સમાજને સમજે અને જાગૃત થાય તેને લઈ સંમેલન યોજાયું
કડવા પાટીદાર સમાજમાં એકતા વધે અને સમાજ મજબૂત થાય તેવા મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, સમાજની દીકરીઓ અન્ય સમાજમાં ભાગીને પ્રેમલગ્ન કરવાની સમસ્યા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, 27 કડવા પાટીદાર સમાજના યુવાનો સમાજને જાગૃત કરવા માટે તેમજ સમાજની દીકરી સમાજમાં રહે સહિતના મુદ્દાઓ પર સંમેલન યોજાયું હતુ, સંમેલનમાં સરદાર પટેલ સેવા દળના અધ્યક્ષ લાલજી પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રેમ લગ્નને લઈ નવો કાયદો બનવો જોઈએ : લાલજી પટેલ
લાલજી પટેલનું કહેવું છે કે, દીકરા કે દીકરી લગ્ન કરે તો સરકારે ત્રણ કાયદાઓ બનાવવા પડે, દીકરી અથવા દીકરો ભાગીને લગ્ન કરે તો ફરજિયાત માં બાપની સહી હોવી જોઈએ તેમજ લગ્નનો દાખલો ગામની ગ્રામપંચાયત અથવા નગરપાલિકામાંથી જ આપવાનો રહે, જ્યારે લગ્ન કરે તો તેના કાગળ કલેક્ટર અથવા તો મામલતદાર કક્ષાના અધિકારીઓ તપાસ કરે તેવી સરકાર પાસે માંગણી સરદાર પટેલ સેવા દળના અધ્યક્ષ લાલજી પટેલે કરી હતી, આ સમંલેનમાં યુવક-યુવતીઓ હાજર રહ્યાં હતા.