રાજ્યમાં હજુ પણ આગામી 30 તારીખ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે.હવામાન વિભાગ દ્વારા આજે જૂનાગઢ,સાબરકાંઠા, મહેસાણા તથા અરવલ્લી જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે તો આવતીકાલે 25 ઓગષ્ટે અમદાવાદમાં ભારે વરસાદની ચેતવણી અપાઇ છે.આજે 4 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 17 જિલ્લામાં યલો એલર્ટ જારી કરાયું છે. બીજી બાજુ ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવતાં ગાંધીનગરના સંત સરોવર ડેમની જળસપાટીમાં વધારો થયો છે.


વાસણા બેરેજના 25 દરવાજા ખોલીને 51126 ક્યુસેક પાણી છોડાયુ

આ ઉપરાંત અમદાવાદની સાબરમતિ નદી પણ પાણીની આવક વધવાને કારણે બે કાંઠે વહેતી થઈ છે. વાસણા બેરેજમાંથી પાણી છોડવામાં આવતાં નદી કાંઠાના વિસ્તારોને એલર્ટ કરી દેવાયા છે. વાસણા બેરેજના 25 દરવાજા 6 ફૂટ સુધી ખોલીને 51126 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે. નદીમાં જળસ્તર વધતાં રિવરફ્રન્ટનો વોક વે પણ લોકો માટે બંધ કરી દેવામાં આવ્યો છે. ઉપરવાસમાં વરસાદના કારણે હજુ વધારે પાણી છોડવાની સંભાવના છે. જેથી વટવા, વેજલપુર, દસક્રોઈ અને ધોળકા વિસ્તારમાં રહેતા લોકોને તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે.

સંત સરોવર ડેમમાં ઉપરવાસમાં વરસાદ થતાં પાણી છોડાયુ

ગાંધીનગરના સંત સરોવર ડેમમાં ઉપરવાસમાં વરસાદ થતાં પાણી છોડવામાં આવ્યું છે. જેના કારણે ડેમની જળસપાટીમાં વધારો થયો છે. ડેમમાં હાલ 66215 ક્યુસેક પાણીની આવક થવા પામી છે. જ્યારે 63224 ક્યુસેક પાણી ડેમમાંથી છોડવામાં આવ્યું છે. ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવતા સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ છે. નદીની આસપાસના સંવેદનશીલ વિસ્તારોમાં ફાયર અને પોલીસ પોઈન્ટ ગોઠવી દેવાયા છે. જ્યારે 28 જેટલા કાંઠાના ગામોને એલર્ટ કરી દેવાયા છે. સંત સરોવર ડેમના તમામ 21 ગેટ ખોલવામાં આવ્યા છે.ડેમની સપાટી 52.45 મીટર સુધી પહોંચી ગઈ છે.

ગાંધીનગરના આ વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું

ગાંધીનગરના વલાદ, રાયસણ, રાંદેસણ, ભાટ, કોબા પેથાપુર પાલજ, શાહપુર, ઇન્દ્રોડા, બોરિજ સહિતના ગામોમાં એલર્ટ આપવામાં આવ્યું છે.માણસા તાલુકા ખડાત,મહુડી,અનોડિયા,ડોડિયાલ, વરસોડા, લાકરોડા, ગુણમાં, અંબોડ, અમરાપુર સહિતના ગામ સરપંચ અને તલાટીઓ અને આગેવાનોને લોકોને સૂચના આપવા જણાવ્યું છે. મહાનગરપાલિકા દ્વારા પણ નદી કિનારાના ગામડાઓમાં ફાયર વિભાગ દ્વારા સાયરન વગાડી કિનારે ના જવા માટે સૂચના આપવામાં આવી રહી છે. ગાંધીનગર પોલીસ પણ સત્તત પેટ્રોલિંગ કરી રહી છે.


  • Follow us on: