ગુજરાતમાં છેલ્લા બે દિવસથી મેઘરાજા મહેરબાન થયાં છે. ઉત્તર ગુજરાતમાં ધરોઈ અને સંત સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવતા સાબરમતી નદીમાં પાણીની આવક વધી છે. નદીમાં પાણીની આવક વધતાં સુભાષબ્રિજ પાસે રિવરફ્રન્ટ વોક વેમાં પાણી ઘૂસી ગયા હતાં. પાણીની સતત વધી રહેલી આવકને કારણે સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. બીજી તરફ બાકરોલ પાસે રેલવે ઓવરબ્રિજનું કામ કરતાં 27 શ્રમિકો સાબરમતી નદીમાં ફસાયા હતાં.


ફાયરની ટીમ બોટ સાથે બચાવ કામગીરી માટે પહોંચી ગઈ

અમદાવાદની સાબરમતી નદીમાં આજે સવારથી પાણીનો જબરદસ્ત પ્રવાહ જોવા મળ્યો છે. પાણીનો પ્રવાહ વધવાથી બાકરોલ પાસે નદીમાં જળસપાટી વધી હતી. નદીમાં પુરની સ્થિતિ સર્જાતા રેલવે ઓવરબ્રિજનું કામ કરતાં 27 શ્રમિકો ફસાયા હતાં. શ્રમિકોને નદીમાંથી બહાર કાઢવા માટે ફાયર વિભાગે રેસ્ક્યૂ આપરેશન હાથ ધર્યું હતું. શ્રમિકો કામ કરી રહ્યા હતાં. તે સમયે અચાનક પાણીનો પ્રવાહ વધ્યો હતો. લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરતાં જ ફાયરની ટીમ બોટ સાથે બચાવ કામગીરી માટે પહોંચી ગઈ હતી. ફાયરબ્રિગેડે તમામ 27 શ્રમિકોને બચાવી લીધા હતાં

અમદાવાદમાં સાબરમતી નદીમાં પાણીની ભરપૂર આવક

અમદાવાદમાં ચાલુ સિઝનમાં ચોમાસામાં પહેલીવાર સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. આજે વહેલી સવારે નદી બે કાંઠે વહેતી થઈ હતી. નદીમાં પાણીની આવક વધતાં રિવરફ્રન્ટ પર લોકની અવરજવરને રોકવામાં આવી છે. નદીની સપાટીમાં વધારો થતાં પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. લોકોને રિવરફ્રન્ટના વોક વે પર નહીં જવા પોલીસ દ્વારા સૂચના આપવામાં આવી છે. સુભાષ બ્રિજ પાસે વોક વે પર પાણી ઘૂસી ગયાં છે. વોક વે પરથી મુલાકાતીઓને દૂર કરવામાં આવ્યાં છે.


  • Follow us on: