ગુજરાતમાં જૂન મહિનાથી જ મેઘરાજા મહેરબાન થઈ ગયાં છે. રાજ્યમાં જુલાઈ મહિનામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે જૂન મહિનાના અંત અને જુલાઈની શરૂઆત સુધીમાં રાજ્યમા સિઝનનો 34 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ 37 ટકા વરસાદ દક્ષિણ ઝોનમાં નોંધાયો છે. હવામાન વિભાગે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
ગુજરાતમાં કુલ 37.91 ટકા વરસાદ નોંધાયો
રાજ્યમાં ઝોન પ્રમાણે વરસાદની વાત કરીએ તો, કચ્છમાં 32.97, ઉત્તર ગુજરાતમાં 25.84, પૂર્વ મધ્ય ગુજરાતમાં 36.45, સૌરાષ્ટ્રમાં 35.24 અને દક્ષિણ ગુજરાતમાં 37.91 ટકા વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. આવતીકાલે અમુક જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. જુલાઈમાં સામાન્ય કરતા વધુ વરસાદ રહેવાનું અનુમાન છે.
શું છે રાજ્યના ડેમની સ્થિતિ
રાજ્યમાં 34 ટકા વરસાદ થયો હોવા છતાં 207 જળાશયોમાં હજી 48.68 ટકા જ પાણીનો જથ્થો છે. જેમાં ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 39.11, મધ્ય ગુજરાતના 17 ડેમમાં 57.86, દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 48.58, કચ્છના 20 ડેમમાં 31.13, સૌરાષ્ટ્રના 141 ડેમમાં 54.34 અને નર્મદા ડેમમાં 47.50 ટકા પાણીનો જથ્થો છે. ઉત્તર ગુજરાતના 15 ડેમમાંથી એક પણ ડેમ સંપૂર્ણ ભરાયો નથી. મધ્ય ગુજરાતના 17માંથી 2 ડેમ, દક્ષિણ ગુજરાતમાં એક ડેમ, કચ્છમાં એક ડેમ, સૌરાષ્ટ્રમાં 11 ડેમ સંપૂર્ણ પણે ભરાઈ ગયાં છે. રાજ્યમાં હાલમાં હાઈ એલર્ટ પર 21 જળાશયો છે. એલર્ટ પર 12 જળાશયો છે. જ્યારે 20 જળાશયોને વોર્નિંગ પર રાખવામાં આવ્યાં છે. 153 જળાશયોમાં 70 ટકાથી ઓછું પાણી છે.