આજે રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં નર્મદા અને તાપી જિલ્લામાં વરસાદને લઈ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, તો અન્ય જિલ્લામાં વરસાદને લઈ યલો અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. વેલ માર્ક લો પ્રેશર, સાયક્લોનિક સર્ક્યુલેશન અને રાજયમાં મોન્સૂન ટ્રફના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે


આગામી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતાઓ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતાઓ છે. આજે નર્મદા, છોટાઉદેપુર, ભરૂચમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે અમરેલીમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આ ઉપરાંત ભાવનગર, વડોદરા, પંચમહાલ, દાહોદ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. ગીર સોમનાથમાં ભારે વરસાદનું યલો એલર્ટ, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, ખેડા, આણંદ, બોટાદ, રાજકોટ, અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે. આજે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે LCS-3 લગાવ્યું છે.

ગુજરાતમાં ચાલુ સિઝનનો 92.64 ટકા વરસાદ વરસ્યો

ગુજરાતમાં ચાલુ સિઝનનો 92.64 ટકા વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ 96.94 ટકા વરસાદ ઉત્તર ગુજરાતમાં વરસ્યો છે. દક્ષિણ ગુજરાતમાં 96.91, મધ્ય ગુજરાતમાં 93.79, સૌરાષ્ટ્રમાં 84.74 અને કચ્છમાં 85.14 ટકા વરસાદ વરસ્યો છે. રાજ્યના 207 ડેમમાં 85.22 ટકા વરસાદ ખાબક્યો છે.નર્મદા ડેમમાં હાલ 89.75 ટકા પાણીનો જથ્થો છે. ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 76, મધ્ય ગુજરાતના 17 ડેમમાં 94, દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 81.73 અને કચ્છના 20 ડેમમાં 59.95 ટકા પાણીનો જથ્થો છે. રાજ્યમા હાલમાં 113 ડેમમાં 90 ટકાથી વધુ પાણી હોવાથી હાઈ એલર્ટ પર મુકાયા છે. 27 ડેમમાં 80થી 90 ટકા પાણીનો જથ્થો હોવાથી એલર્ટ પર રખાયા છે. જ્યારે 70થી 80 ટકા પાણીનો જથ્થો ધરાવતા 10 ડેમને વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે. 56 ડેમ એવા છે જેમાં 70 ટકાથી ઓછો પાણીનો જથ્થો છે.


  • Follow us on: