અરબી સમુદ્રમાં સર્જાયેલું શક્તિ વાવાઝોડુ આવતીકાલે નબળુ પડી શકે તેવી હવામાન વિભાગ દ્વારા સંભાવનાઓ વ્યક્ત કરાઈ હતી. આ વાવાઝોડાની અસર રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી છે. ત્યારે અમદાવાદ શહેરમાં આજે સવારથી જ વાતાવરણમા પલટો આવ્યો હતો. વાદળછાયા વાતાવરણ વચ્ચે શહેરમાં કેટલીક જગ્યાએ હળવો વરસાદ ખાબક્યો હતો. હાલમાં શહેરમાં કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે.


અમદાવાદમાં ધોધમાર વરસાદ

અમદાવાદ શહેરમાં આજે સવારથી જ આકાશમાં વાદળો જોવા મળ્યા હતાં. કેટલાક વિસ્તારમાં નાના ઝાપટાં પણ પડ્યા હતાં. હાલમાં શહેરમા બોડકદેવ અને વસ્ત્રાપુર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. ભારે વરસાદને કારણે વાહનચાલકોને મોટી હાલાકીનો સામનો કરવો પડ્યો છે. શહેરમાં રોકાયેલો વરસાદ ફરી શરૂ થતાં શહેરીજનોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે.અમદાવાદ સહિત ચોટીલા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ ખાબક્યો છે. 

શક્તિ વાવાઝોડાની અસર રાજ્યના અનેક વિસ્તારોમાં થઈ

અરબી સમુદ્રમાં સર્જાયેલા શક્તિ વાવાઝોડાની અસર રાજ્યના અનેક વિસ્તારોમાં થઈ હતી. અમરેલી, બનાસકાંઠા અને કચ્છના ભાગોમાં ભારે વરસાદ થતાં ઠંડક પ્રસરી ગઈ છે. કેટલીક જગ્યાએ વરસાદને કારણે રસ્તા પર પાણી ભરાઈ ગયાં છે. વરસાદને કારણે મગફળી અને કપાસના પાકને નુકસાન થવાની ભિતી સેવાઈ રહી છે. બનાસકાંઠા અને કચ્છમાં વરસાદ બંધ રહ્યા બાદ ગરમીનો પારો ઉંચકાયો હતો. પરંતુ આજે ફરી વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. 


  • Follow us on: