ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. ત્યારે રાજ્યમા ફરીવાર વરસાદ શરૂ થવાની આગાહી કરવામાં આવી છે.આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર વધશે.હવામાન વિભાગ દ્વારા 14 થી 19 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ચાર સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં વરસાદી માહોલ જામશે. બીજી તરફ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી હતી કે, ગુજરાતમાં હવે સાર્વત્રિક વરસાદ થશે.
16થી 22 ઓગસ્ટ સુધી વરસાદી માહોલની સંભાવના
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરતાં કહ્યું હતું કે, બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર શરૂ થઈ છે. વિશાખાપટ્ટનમ અને વિજયવાડા વચ્ચે સિસ્ટમ પસાર થઈ છે. આ સર્ક્યુલેશન આવનારા દિવસોમાં વધુ મજબૂત થઇ શકે છે. 16થી 22 ઓગસ્ટ સુધી વરસાદી માહોલની સંભાવના છે. ગુજરાતમાં સારો વરસાદ શરૂ થશે. આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા જણાવ્યા પ્રમાણે અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન, લૉ પ્રેશર, મોન્સન ઇસ્ટ અને વેસ્ટ ટ્રફ સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં સિઝનનો કૂલ 64.62 ટકા વરસાદ નોંધાયો
આજે રાજ્યના 45 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં નવસારીમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સિઝનનો કૂલ 64.62 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં 69.10, મધ્ય ગુજરાતમાં 66.68, ઉત્તર ગુજરાતમાં 66.21, કચ્છમાં 65.17 અને સૌથી ઓછો વરસાદ સૌરાષ્ટ્રમાં 56.70 ટકા નોંધાયો છે. રાજ્યના 207 ડેમમાં 71.97 ટકા પાણીનો જથ્થો છે. જ્યારે નર્મદા ડેમમાં 75.19 ટકા પાણીનો જથ્થો છે. રાજ્યમાં 51 ડેમ હાઈ એલર્ટ, 26 ડેમ એલર્ટ અને 26 ડેમને વોર્નિંગ પર રખાયા છે.
ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 85.57 લાખ હેક્ટરમાં વાવેતર
રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષની સરેરાશમાં,ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 85.57 લાખ હેક્ટર નોર્મલ વાવેતર વિસ્તારની સામે કુલ 74.85 લાખ હેક્ટર એટલે કે 87.48 ટકામાં કૃષિ પાકોનું વાવેતર થયું છે. જેમાં તેલીબીયા પાકનું વાવેતર 26.94 લાખ હેક્ટર વિસ્તારમાં, મગફળીનું 20.54 લાખ હેક્ટરમાં, કપાસનું 20.58 લાખ હેક્ટરમાં, ધાન્ય પાકનું 12.88 લાખ હેક્ટરમાં, ડાંગરનું 8.44 લાખ હેક્ટરમાં, મકાઇનું 2.72 લાખ હેક્ટરમાં, કઠોળ પાકનું 3.48 લાખ હેક્ટરમાં તેમજ ઘાસચારાનું વાવેતર 8.2લાખ હેક્ટરમાં કરવામાં આવ્યું છે.