હવામાન વિભાગે આજથી વરસાદનું જોર વધશે તેવી આગાહી કરી છે. આગામી પાંચ દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદની એન્ટ્રી થઈ છે. અમરેલી, વડોદરા, સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાથી ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે. ભારે બફારાથી ત્રાહિમામ પોકારી ગયેલા લોકોને વરસાદને કારણે ઠંડકનો અનુભવ થયો છે.


રાજ્યમાં આજથી વધ્યુ વરસાદનું જોર

રાજ્યમાં આજે અરવલ્લીના મેઘરજ,બનાસકાંઠાના અંબાજી, દાંતા સહિતના તાલુકાઓમાં વરસાદની એન્ટ્રી થઈ હતી. આ ઉપરાંત અમરેલીના ખાંભા, બગસરા, સાવરકુંડલા, ધારી,ગઢિયા, વિરપુર સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. જ્યારે વડોદરાના શિનોર, કરજણ,અવાખાલ,પુનિયાદ,કંજેઠામાં વરસાદ ખાબક્યો હતો.વરસાદ પડવાથી રોડ પર પાણી ભરી વળ્યાં હતાં. ખેડૂતોને વાવણી લાયક વરસાદ થતાં ખુશીની લહેર પ્રસરી ગઈ હતી. કપાસ, સોયાબીન અને મગફળીના પાકમા ખરા સમયે વરસાદ થતાં ફાયદો થશે.

ચાલુ સિઝનનો કૂલ 65.13 ટકા વરસાદ નોંધાયો

હવામાન વિભાગે જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ,નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 55 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં ચાલુ સિઝનનો કૂલ 65.13 ટકા વરસાદ નોંધાયો છે. સૌથી વધુ 69.83 ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં નોંધાયો છે. જ્યારે સૌથી ઓછો 57.65 ટકા વરસાદ સૌરાષ્ટ્રમાં નોંધાયો છે. કચ્છમાં 65.46, ઉત્તર ગુજરાતમાં 66.23 અને મધ્ય ગુજરાતમાં 66.72 ટકા વરસાદ નોંધાયો છે.


  • Follow us on: