ગુજરાતમાં વરસાદ ખેંચાયો હોવાથી ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. બીજી તરફ ગરમી અને બફારાના કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યાં છે. ત્યારે હવામાન વિભાગે ફરી વાર વરસાદને લઈને આગાહી કરી છે. આવતીકાલથી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 20મી ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. આવતીકાલે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 17 ઓગસ્ટે વરસાદનું સૌથી વધુ જોર હશે. આજે દક્ષિણ ગુજરાત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ચાર સિસ્ટમ સક્રિય થતાં વરસાદી માહોલ જામશે
રાજ્યમાં એક સાથે ચાર સિસ્ટમ સક્રિય થતાં વરસાદી માહોલ જામશે. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. હવામાન વિભાગ દ્વારા અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, સુરતમાં, તાપી, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, ડાંગ, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના માછીમારોને દરિયો નહીં ખેડવા IMD દ્વારા જણાવાયું છે.હવામાન વિભાગ દ્વારા જણાવ્યા પ્રમાણે અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન, લૉ પ્રેશર, મોન્સન ઇસ્ટ અને વેસ્ટ ટ્રફ સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે.
બપોરે 12 વાગ્યા સુધીમાં 13 તાલુકાઓમા વરસાદ નોંધાયો
આજે બપોરે 12 વાગ્યા સુધીમાં 13 તાલુકાઓમા વરસાદ નોંધાયો છે. જેમાં જૂનાગઢના મેંદરડા, દેવભૂમિ દ્વારકાના ભાણવડ, ગીર સોમનાથના ઉના અને સુત્રાપાડા અને પોરબંદરમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 71 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સિઝનનો કૂલ 64.78 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ 69.36 ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં ખાબક્યો છે. કચ્છમાં 65.36, ઉત્તર ગુજરાતમાં 66.22, મધ્ય ગુજરાતમાં 66.71 અને સૌથી ઓછો 56 ટકા વરસાદ સૌરાષ્ટ્રમાં નોંધાયો છે.
207 જળાશયોમાં 72.01 ટકા પાણીનો જથ્થો
ગુજરાતમાં 207 જળાશયોમાં 72.01 ટકા પાણીનો જથ્થો છે. જેમાં ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 64.18, મધ્ય ગુજરાતના 17 ડેમમાં 80.02 ટકા, દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 70.64 ટકા, કચ્છના 20 ડેમમાં 54.26 ટકા અને સૌરાષ્ટ્રના 141 ડેમમાં 66.39 ટકા પાણીનો જથ્થો છે. ઉત્તર ગુજરાતમાં એક પણ ડેમ છલકાયો નથી. જ્યારે દક્ષિણ ગુજરાતમાં આઠ ડેમ છલકાયા છે. નર્મદા ડેમમાં હાલમાં 75 ટકા પાણીનો જથ્થો છે. હાલમાં 51 ડેમ હાઈ એલર્ટ, 25 એલર્ટ અને 25 ડેમ વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે.
ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 85.57 લાખ હેક્ટરમાં વાવેતર
રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષની સરેરાશમાં,ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 85.57 લાખ હેક્ટર નોર્મલ વાવેતર વિસ્તારની સામે કુલ 74.85 લાખ હેક્ટર એટલે કે 87.48 ટકામાં કૃષિ પાકોનું વાવેતર થયું છે. જેમાં તેલીબીયા પાકનું વાવેતર 26.94 લાખ હેક્ટર વિસ્તારમાં, મગફળીનું 20.54 લાખ હેક્ટરમાં, કપાસનું 20.58 લાખ હેક્ટરમાં, ધાન્ય પાકનું 12.88 લાખ હેક્ટરમાં, ડાંગરનું 8.44 લાખ હેક્ટરમાં, મકાઇનું 2.72 લાખ હેક્ટરમાં, કઠોળ પાકનું 3.48 લાખ હેક્ટરમાં તેમજ ઘાસચારાનું વાવેતર 8.2લાખ હેક્ટરમાં કરવામાં આવ્યું છે.