ગુજરાતમાં લાંબા વિરામ બાદ ફરી વાર મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. વરસાદ થવાથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે. વરસાદ બંધ હોવાથી ગરમી અને બફારો વધવાથી લોકો હેરાન થયા હતાં. જેથી વાતાવરણમાં હવે ઠંડક પ્રસરી જવાથી લોકોમાં હાશકારો થયો છે. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.


આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસ્યો

રાજ્યમાં આજે બપોર બાદ સૌરાષ્ટ્રમાં જસદણ, જામનગર શહેર, અમરેલીના બાબરામાં,ગીર સોમનાથના વેરાવળમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. વરસાદના કારણે માર્ગો પર પાણી ભરાઈ ગયા હતાં. બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. જેમાં ડાંગ જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદ વરસ્યો હતો. સાપુતારામાં વરસાદ થવાને કારણે ખુશનુમા વાતાવરણ જોવા મળ્યું હતું. આ ઉપરાંત વડોદરા અને ભરૂચમાં પણ વરસાદ વરસ્યો હતો. વરસાદ થવાથી ખેડૂતોની ચિંતામાં ઘટાડો થયો છે.

ચાર સિસ્ટમ સક્રિય થતાં વરસાદી માહોલ જામશે

રાજ્યમાં એક સાથે ચાર સિસ્ટમ સક્રિય થતાં વરસાદી માહોલ જામશે. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. હવામાન વિભાગ દ્વારા અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, સુરતમાં, તાપી, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, ડાંગ, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના માછીમારોને દરિયો નહીં ખેડવા IMD દ્વારા જણાવાયું છે.હવામાન વિભાગ દ્વારા જણાવ્યા પ્રમાણે અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન, લૉ પ્રેશર, મોન્સન ઇસ્ટ અને વેસ્ટ ટ્રફ સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે.


  • Follow us on: