ગુજરાતમાં વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે મોટુ નુકસાન થયું છે. રોડ અને રસ્તાની હાલત ખરાબ થઈ ગઈ છે. સતત વરસાદને કારણે ખેતીને પણ અસર થઈ છે. ત્યારે આજથી વરસાદનું જોર ઘટશે અને આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.


આજે અમદાવાદમાં સામાન્ય વરસાદ થઈ શકે છે

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે આજથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે. આજે અમદાવાદમાં સામાન્ય વરસાદ થઈ શકે છે. બીજી તરફ ભારે પવનને લઈને હવામાન વિભાગે દક્ષિણ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે એલર્ટ આપ્યું છે. માછીમારોને 2 ઓગષ્ટ સુધી દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી છે.

કૂલ સિઝનનો સામાન્ય કરતાં 30 ટકા વધુ વરસાદ થયો

ગુજરાતમા જુલાઈના અંત સુધીમાં કૂલ સિઝનનો સામાન્ય કરતાં 30 ટકા વધુ વરસાદ થયો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 18 ઈંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકામાં વરસાદ નોંધાયો છે, સૌથી વધુ કપરાડા તાલુકામાં 2.13 ઇંચ વરસાદ, વઘઇ અને ડાંગમાં 1.7 ઇંચ વરસાદ, ખેરગામ અને વાંસદામાં 1.6 ઇંચ વરસાદ, ધરમપુરમાં 1.4 ઇંચ, વલસાડમાં 1.1 ઇંચ વરસાદ અને વાપીમાં પોણો ઇંચ વરસાદ નોંધાયો છે.


  • Follow us on: