હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે આજે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદના આગમનથી સાપુતારાનું વાતાવરણ વધુ આહલાદક બનતાં અહીં આવેલા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. જોકે પ્રવાસીઓ માટે ખુશી લાવનારો આ વરસાદ તળેટી વિસ્તારના ખેડૂતો માટે કમોસમી આફત બનીને આવ્યો છે.
વરસાદને પગલે પ્રવાસીઓમાં ખુશી
સાપુતારાના તળેટી વિસ્તાર અને ડાંગ જિલ્લાના અન્ય ભાગોમાં વરસેલા આ વરસાદને કારણે ખેડૂતોમાં ભારે ચિંતા પ્રસરી ગઈ છે. જિલ્લામાં હાલમાં ખેડૂતોના ડાંગર, વરાઈ, નાગલી જેવા મુખ્ય પાકો તેમજ અન્ય કઠોળ પાકો તૈયાર થઈ ગયા છે અથવા લણણીના આરે છે. આ સમયે અચાનક વરસેલા કમોસમી વરસાદને કારણે તૈયાર થયેલા પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. વરસાદના પાણીથી પાક પલળી જવાથી તેની ગુણવત્તા બગડી જાય છે અને વજનમાં ઘટાડો થાય છે.













