ગુજરાતના ડાંગ જિલ્લાના રાજકારણમાં એક મોટો વળાંક આવ્યો છે, જેના કારણે સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP)ને મોટો ઝટકો લાગ્યો છે. ડાંગના પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિતે ભાજપમાંથી 'રામ રામ' કરી કોંગ્રેસમાં ઘરવાપસી કરી છે. નોંધનીય છે કે, મંગળ ગાવિત ખૂબ જ ટૂંકા સમય માટે ભાજપમાં જોડાયા હતા, પરંતુ હવે તેમણે ફરી એકવાર પોતાના મૂળ પક્ષ કોંગ્રેસનો હાથ પકડ્યો છે. આટલું જ નહીં, મંગળ ગાવિત તેમની સાથે મોટી સંખ્યામાં પોતાના સમર્થકોને પણ કોંગ્રેસમાં લાવ્યા છે, જેના કારણે જિલ્લા ભાજપ સંગઠનમાં એક મોટું ગાબડું પડ્યું છે.
સક્રિય નેતાઓ અને સભ્યોનું કોંગ્રેસ તરફ પ્રયાણ
મંગળ ગાવિતની સાથે માત્ર સામાન્ય સમર્થકો જ નહીં, પરંતુ ભાજપના કેટલાક સક્રિય અને પંચાયતી રાજના અગ્રણી નેતાઓ પણ કોંગ્રેસમાં જોડાયા છે. આમાં આહવા તાલુકા પંચાયતના સભ્ય દિપક પીપળે, જિલ્લા પંચાયત સભ્ય લાલભાઈ અને અગ્રણી વસંતભાઈ જેવા મહત્ત્વના ચહેરાઓનો સમાવેશ થાય છે. આ પદાધિકારીઓનું કોંગ્રેસમાં જોડાવું એ ડાંગ જિલ્લામાં ભાજપના સંગઠન અને પાયાના નેતૃત્વ માટે ગંભીર નુકસાન સમાન છે. આ નેતાઓના પક્ષ પલટાથી ડાંગના સ્થાનિક રાજકારણ અને આગામી ચૂંટણીઓના સમીકરણો પર મોટી અસર જોવા મળી શકે છે.













