અમરેલી જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદને કારણે જગતના તાતને ભારે નુકસાન પહોંચ્યું છે. જાફરાબાદ અને રાજુલામાં દરિયાકાંઠા વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. પીપાવાવ પોર્ટ અને બગસરાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે. ત્યારે હવે ખાંભા અને સાવરકુંડલામાં ભારે વરસાદ વરસ્યો છે.


ખાંભા અને સાવરકુંડલામાં ધોધમાર વરસાદ વરસ્યો

અમરેલી જિલ્લામાં માવઠાનો પ્રકોપ જોવા મળ્યો છે. રાજુલા અને જાફરાબાદ પછી ખાંભા અને સાવરકુંડલામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સાવરકુંડલા, પીઠવડી, મોટા ભમોદરા, વંડા, ઝીંઝુડા, શેલણા સહિતના ગામોમાં વરસાદ ખાબક્યો છે. ખાંભા ગીરમાં સતત 6 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ત્રાકુડા, શ્યામ ગઢ, મોટા બારમણ, નિંગાળામાં સહિતના ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને કારણે શ્યામ ગઢની સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવ્યું છે. સતત વરસાદથી મગફળી અને કપાસના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે.

અમરેલીનો ધાતરવડી ડેમ 2 છલકાયો

ભારે વરસાદને કારણે અમરેલીનો ધાતવડી-2 ડેમ છલકાયો છે. ડેમમાં 5400 ક્યુસેક પાણીની આવક થવા પામી છે. ડેમના બે દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યં છે. નીચાણવાળા નદીકાંઠાના ગામોને એલર્ટ કરી દેવાયા છે. ખાખબાઈ, હિંડોરણા, ઉછેયા, ભચાદર, વડ, રામપરા, ભેરાઇ સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યાં છે. 

  • Follow us on: