અમરેલીના જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા કમોસમી વરસાદે આજે સાંબેલાધાર સ્વરૂપ ધારણ કરતાં ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને આજે બપોર બાદ સાંજે પડેલા અનરાધાર વરસાદને કારણે ખેડૂતો અને સ્થાનિકોની હાલત કફોડી બની છે. જાફરાબાદ તાલુકાના માણસા, પાટી, હેમાળ, લોર અને ફાસરીયા સહિતના અનેક ગામોમાં કમોસમી વરસાદે કહેર વર્તાવ્યો છે.


કમોસમી વરસાદના કારણે તૈયાર મગફળી બગડી

અવિરત વરસાદના કારણે ગામોની ગલીઓ અને રસ્તાઓ પર જાણે નદીઓ વહેતી થઈ હોય તેવા દૃશ્યો સર્જાયા હતા. મોટા માણસા ગામની સ્થિતિ સૌથી વધુ ખરાબ થઈ હતી. વરસાદી પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે ગામની બજારમાંથી વહેતા પાણીમાં એક બાઇક તણાઈ ગયું હતું. આ ઉપરાંત પ્રવાહના કારણે મોટા માણસા ગામના અનેક રહેણાંક મકાનોમાં પાણી ઘૂસી ગયા હતા, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

બજારમાં વહેતી નદીના પ્રવાહમાં બાઈક તણાયું

આ કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે. ઘરો અને મકાનના ફરજામાં કાપણી કરીને રાખવામાં આવેલી તૈયાર મગફળીને વરસાદનું પાણી તાણી ગયું હતું અથવા તો પલળી જતાં બગડી ગઈ હતી. છેલ્લા એક અઠવાડિયાથી પડી રહેલા કમોસમી વરસાદને કારણે મગફળી જેવા પાકને ભારે નુકસાન થતાં રાજુલા-જાફરાબાદ તાલુકાના ખેડૂતો માટે અત્યંત કપરો સમય આવી ગયો છે. ખેડૂતોએ સરકાર પાસે તાત્કાલિક સર્વે કરીને વળતર આપવાની માંગ કરી છે.


  • Follow us on: