અમરેલીના વડિયા તાલુકામાં ઢળતી સંધ્યાએ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. આ અચાનક થયેલા વરસાદને કારણે ખેડૂતો અને સ્થાનિક લોકોમાં ચિંતા વધી છે. ખાસ કરીને નવરાત્રિમાં વરસાદ પડવાથી ખેલૈયાઓમાં નિરાશાનો માહોલ છવાયો છે. વડિયાના તોરી, રામપુર, ખાન ખીજડિયા અને અરજનસુખ સહિતના આસપાસના ગામોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો.


રામપુરમાં રસ્તાઓ પર વરસાદી પાણી થયા વહેતા

વરસાદ એટલો તીવ્ર હતો કે રામપુર ગામના રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા હતા. જેના કારણે વાહનવ્યવહારને પણ અસર થઈ હતી. આ ઉપરાંત વડિયા શહેરમાં પણ ઝરમર વરસાદ શરૂ થયો હોવાનું જાણવા મળ્યું છે. નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો છે અને ખેલૈયાઓ ગરબાના આયોજનો માટે ઉત્સાહિત છે. આવા સમયે વરસાદ શરૂ થતા તેમના ઉત્સાહ પર પાણી ફરી વળ્યું છે. ઘણા ગરબા આયોજકોએ વરસાદના કારણે તેમના કાર્યક્રમોમાં ફેરફાર કરવાની ફરજ પડી છે.

વરસાદ શરૂ થતાં ખેલૈયાઓ ચિંતામાં મુકાયા

મેદાન અને ગરબા સ્ટેજ પાણીથી ભરાઈ જતા આયોજનો મુલતવી રાખવા પડ્યા છે. આ વરસાદ ખેડૂતો માટે પણ ચિંતાનો વિષય બન્યો છે. કારણ કે વાવેતર પાકોને નુકસાન થવાનો ભય રહેલો છે. જોકે કેટલાક વિસ્તારોમાં વરસાદથી તાપમાનમાં ઘટાડો થતા લોકોને ગરમીથી રાહત પણ મળી છે. તેમ છતાં હાલની પરિસ્થિતિ જોતાં નવરાત્રિના ઉત્સવ પર વરસાદનું વિઘ્ન આવે તેવી શક્યતા રહેલી છે.


  • Follow us on: