ગુજરાતમા જુલાઈના અંત સુધીમાં 63 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સિઝનનો સૌથી વધુ 67 ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં નોંધાયો છે. ત્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં 81.60 ટકા વરસાદ નોંધાયો છે. આ વરસાદને કારણે જિલ્લામાં અનેક વિસ્તારોના ખેતરો બેટમાં ફેરવાઈ જતાં ખેડૂતોની ખેતીને ભારે નુકસાન પહોંચ્યું છે. જિલ્લામાં લીલા દુકાળ જેવી સ્થિતિ સર્જાઈ છે.
વરસાદને કારણે ખેતરો બેટમાં ફેરવાયા
બનાસકાંઠા જિલ્લામાં જુલાઈના અંત સુધીમાં થયેલા વરસાદને કારણે ખેતરો બેટમાં ફેરવાઈ જતાં ખેડૂતોના બાજરી ,મગફળી સહિતના પાકો પાણીમાં ગરકાવ થતાં ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને જિલ્લામાં લીલો દુષ્કાળ જાહેર કરી વળતર આપવવાની માગ કરી હતી. બીજી તરફ જિલ્લાના જળાશયોની સ્થિતિ પણ ચિંતાજનક હોવાનું સામે આવ્યું છે.
જિલ્લાના જળાશયોમાં 22.09 ટકા જ પાણીનો જથ્થો
બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકાઓમાં અત્યાર સુધીમાં 81.60 ટકા વરસાદ નોંધાયો છે. આ વરસાદને કારણે ચારે તરફ પાણી ભરાઈ જવાને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. બીજી તરફ જિલ્લાના સિપુ અને દાંતિવાડા સહિતના જળાશયોમાં આટલો વરસાદ વરસ્યો હોવા છતાં જળસંગ્રહથી ખેડૂતોમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે. 81.60 ટકા વરસાદ ખાબક્યો હોવા છતાં જિલ્લાના જળાશયોમાં 22.09 ટકા જ પાણીનો જથ્થો છે. સિપુ ડેમમાં 11.92, દાંતિવાડામાં 27.4 ટકા પાણીનો જથ્થો છે.
સીપુ ડેમ હંમેશા તળિયા જાટક રહ્યો છે
જો વરસાદ ખેંચાશે તો બનાસકાંઠા જિલ્લામાં પાણીનો પોકાર ઉભો થાય એમ છે.વર્ષ 2017ના ચોમાસા બાદ સીપુ ડેમ હંમેશા તળિયા જાટક રહ્યો છે અને આ વર્ષે પણ સીપુ ડેમમાં પાણીની આવક ન થતા વિસ્તારના ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે.જિલ્લાના પશ્ચિમ વિસ્તારમાં તો કેનાલો આવવાથી ખેડૂતોની ખેતી સરળ બની છે. પરંતુ જિલ્લાના પૂર્વ વિસ્તારમાં કેનાલો ન હોવાને કારણે ખેડૂતો ડેમના પાણી આધારિત ખેતી કરતા હોય છે.