ભાવનગરની જીવાદોરી શેત્રુંજી ડેમ એક માસમાં સતત ત્રીજી વખત છલકાયો છે. મેયર સહિતના પદાધિકારીઓએ નવા નિરના વધામણાં કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા અને ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ આ વર્ષે સિઝનમાં ત્રીજી વખત ઓવરફ્લો થયો છે. જે ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારો માટે ખુશીના સમાચાર છે. ડેમ છલકાઈ જતાં ભાવનગર શહેરને પીવાના પાણીની સમસ્યામાંથી મુક્તિ મળશે.


શેત્રુંજી ડેમ એક માસમાં સતત ત્રીજી વખત છલકાયો 

શેત્રુંજી ડેમમાંથી ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ થશે. પાલીતાણા તાલુકામાં આવેલા આ ભવ્ય શેત્રુંજી ડેમના નવા નીરના વધામણાં કરવા માટે ભાવનગર મહાનગરપાલિકાના મેયર ભરતભાઈ બારડ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડીયા સહિતના પદાધિકારીઓ, નગરસેવકો, નગરસેવિકાઓ, કમિશનર નરેન્દ્ર કુમાર મીના અને વોટર વર્ક્સ વિભાગના અધિકારી ફાલ્ગુન શાહ સહિતના અધિકારીઓ પાલીતાણા શેત્રુંજી ડેમ ખાતે ઉપસ્થિત રહ્યા હતા.

નવા નિરના વધામણાં કરવામાં આવ્યા

દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ શાસ્ત્રોક્ત વિધિ મુજબ ડેમમાં સાકરનો પડો, ફૂલ અને શ્રીફળ પધરાવીને નવા નીરના વધામણાં કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત સૌ મહાનુભાવોએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી. શેત્રુંજી ડેમનું ત્રીજી વખત ઓવરફ્લો થવું એ ભાવનગર જિલ્લા માટે આશીર્વાદરૂપ સાબિત થશે અને આગામી સમયમાં પાણીની કોઈ તંગી રહેશે નહીં તેવી આશા સૌ કોઈ વ્યક્ત કરી રહ્યા છે.

  • Follow us on: