ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે કડક પગલાં લેવામાં આવ્યા છે. ભાવનગરના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને ઘોઘાના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. આ સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને ઘોઘા સહિત ભાવનગર જિલ્લાના તમામ બંદરો પર તંત્ર દ્વારા 3 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.
ભારે વરસાદની આગાહીને પગલે સિગ્નલ લગાવાયું
આ સિગ્નલ સૂચવે છે કે દરિયામાં ભારે પવન અને તોફાની મોજાંની સંભાવના છે અને માછીમારો તેમજ દરિયાઈ ગતિવિધિઓ સાથે સંકળાયેલા લોકોએ સાવધાન રહેવું. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યમાં ફરી વરસાદની આગાહી કરી છે. જે આગામી સાત દિવસ સુધી છૂટાછવાયા સ્થળોએ ચાલુ રહી શકે છે. ખાસ કરીને 27 ઓક્ટોબર સુધી રાજ્યમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે.













