બોટાદ શહેરમાં વરસાદનો વિરામ હોવા છતાં સાળંગપુર રોડ પર આવેલો રેલવે અંડરબ્રિજ ફરી એકવાર 'સ્વિમિંગ પૂલ' બની ગયો છે. પાણી ભરાવાને કારણે વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંડરબ્રિજ જિલ્લા પંચાયત, કલેક્ટર કચેરી, એસપી ઓફિસ, તેમજ બરવાળા, સાળંગપુર અને અમદાવાદ તરફ જતો મુખ્ય માર્ગ હોવાથી હજારો વાહનચાલકો રોજિંદા પસાર થાય છે.
વરસાદ વગર પણ પાણી ભરાયેલા રહેતા તંત્રની બેદરકારી સ્પષ્ટ દેખાઈ
વરસાદ રોકાયાના ઘણા સમય પછી પણ અંડરબ્રિજમાં પાણી ભરાયેલા રહેવાથી સ્થાનિકોમાં રોષ વ્યાપી ગયો છે. પાણીની અંદર છુપાયેલા મોટા ખાડાઓને કારણે અકસ્માતોનું પ્રમાણ પણ વધ્યું છે. અનેક વાહનચાલકો ખાડામાં પડી રહ્યા છે, જેના કારણે ઈજા થવાના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે. આ રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાવાની સમસ્યા છેલ્લા ઘણા વર્ષોથી વાહનચાલકો માટે માથાનો દુખાવો બની રહી છે. ચોમાસામાં તો આ સમસ્યા વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે, પરંતુ આ વખતે વરસાદ વિના પણ પાણી ભરાયેલા રહેતા તંત્રની બેદરકારી સ્પષ્ટ દેખાઈ રહી છે. વાહનચાલકો દ્વારા આ ગંભીર અને વર્ષો જૂની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માગ કરવામાં આવી રહી છે, જેથી તેમને રોજિંદી હાલાકીમાંથી મુક્તિ મળી શકે.
બોટાદમાં કાર તણાઇ જતા કુલ 3 લોકોના મોત
બીજી તરફ બોટાદમાં કાર તણાઈ જવાની ઘટના સામે આવી છે. રાણપુરના ગોધાવટા કોઝવેમાં કાર તણાવાનો મામલો સામે આવ્યો છે. જેમાં 3 લોકોના મોત થયા છે. શોધખોળ દરમિયાન ત્રીજો મૃતદેહ મળી આવ્યો છે. રાણપુર તાલુકાના ગોધાવટા ગામે દુર્ઘટના સર્જાઈ છે. કારમાં સવાર 7 લોકોમાંથી ત્રણ લોકો તણાયા હતા. કોઝવેમાં કાર તણાઈ જતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. કારમાં સવાર તમામ લોકો બોચાસણથી સાળંગપુર આવતા હતા.