હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી આગાહી મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ ખાબકતાં ખેડૂતોની ચિંતા વધી છે. ખાસ કરીને દ્વારકાના કલ્યાણપુર તાલુકાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. કલ્યાણપુરના નાવદ્રા, મોવાણ, હડમતીયા અને પટેલકા સહિત આસપાસના અનેક ગામોમાં વરસાદ શરૂ થયો હતો.
કલ્યાણપુરના નાવદ્રા, મોવાણ, હડમતીયામાં વરસાદ
ભારે પવન સાથે વરસાદ વરસવાના કારણે લોકોને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ કમોસમી વરસાદના કારણે સૌથી મોટો ફટકો ખેડૂતોને પડ્યો છે. હાલમાં ખેતરોમાં ઊભા પાકો લણણીના આરે છે. આ સમયે અચાનક વરસાદ વરસવાથી ખેડૂતોને વ્યાપક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. તૈયાર પાક પલળી જવાથી તેની ગુણવત્તા બગડી જશે અને ઉત્પાદન પર સીધી અસર થશે.













