સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા ભારે વરસાદને કારણે જળાશયો છલકાઈ ગયા છે, જેનાથી રાજ્યની પાણીની ચિંતા દૂર થઈ છે. તાજેતરના અહેવાલ મુજબ, રાજ્યના કુલ 88 જળાશયો 100% ભરાઈ ગયા છે. આ ઉપરાંત, કુલ 123 જળાશયો હાઈએલર્ટ પર છે, જ્યારે 21 જળાશયોને એલર્ટ પર અને 11ને વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે. આ સ્થિતિને કારણે નદી કિનારાના વિસ્તારોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે, અને વહીવટી તંત્ર દ્વારા સતત પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
ભારે વરસાદને કારણે વાહનવ્યવહાર ખોરવાયો
રાજ્યભરમાં અવિરત વરસાદને કારણે વાહનવ્યવહાર પર ગંભીર અસર પડી છે. વરસાદી પાણી ભરાવાને કારણે કુલ 379 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. જેમાં 7 સ્ટેટ હાઈવે અને પંચાયત હસ્તકના 362 રોડનો સમાવેશ થાય છે. આ રસ્તાઓ બંધ થવાને કારણે મુસાફરો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વહીવટી તંત્ર દ્વારા શક્ય તેટલી ઝડપથી આ રસ્તાઓ ફરીથી શરૂ કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, પરંતુ જ્યાં સુધી પાણી ઓસરતું નથી ત્યાં સુધી આ રસ્તાઓ બંધ રહેશે.













