જામનગર મહાનગરપાલિકા દ્વારા ચોમાસા પૂર્વેની કામગીરીના મોટા દાવાઓ વચ્ચે શહેરના અનેક વિસ્તારમાં તંત્રની ઘોર બેદરકારી અને પ્રજા પ્રત્યેની ઉદાસીનતાનું બિહામણું ચિત્ર સામે આવ્યું છે. ત્યારે જામનગરના વોર્ડ નંબર 6માં છેલ્લા બે વર્ષથી કરવામાં આવેલા વિકાસ કાર્યોથી પ્રજા પરેશાન થઈ રહી છે. ભૂગર્ભ ગટર, ટેલિફોન લાઈન, પાણી લાઈન, નાખવા માટે તંત્ર દ્વારા કાર્યવાહી તો કરી પણ તેના પર બનાવવામાં આવેલો સીસી રોડ ખોદી નાખવામાં આવેલો છે.
6 રોડ ખોદાયા બાદ હજુ એક પણ નવો રોડ બન્યો નથી
માર્ગોને માત્ર માટીથી કામચલાઉ રીતે પૂરી દેવાતાં સ્થાનિક રહીશો અને વાહનચાલકો માટે આ રસ્તો જીવના જોખમ સમાન બન્યો છે. તંત્રની બેદરકારીને કારણે ખાડામાં નાના મોટા વાહનો ફસાઈ જવાના અને તેમાં નુકસાન થવાના અડધો ડઝન જેટલા બનાવો બનતાં ભારે નારાજગી જોવા મળી છે. તંત્ર દ્વારા આ રોડની તાત્કાલિક અસરથી મરામત કરવામાં આવે તેવી માગણી ઉઠી છે. શહેરના તિરૂપતિ બાલાજી વિસ્તારમાં ઘણા સમયથી 6 રોડ ખોદાયા બાદ હજુ નવો રોડ બન્યો નથી. છેલ્લા અઢી વર્ષથી આ વિસ્તારમાં વિકાસકાર્યો પુરા થયા બાદ રોડના કામો અધૂરા રહેતા લોકો અને વેપારીઓ હાલાકીમાં મુકાયા છે. બાળકોને અને વડીલોને ખાડા ટપાડવા પડે તેવી સ્થિતિ છે. આ જ રીતે આ વિસ્તારના તમામ શેરી અને મુખ્ય માર્ગો પર રોડ રસ્તાની બદતર હાલત છે. મુશ્કેલીના સમયમાં 108 એમ્બયુલન્સ આવે તો એમ્બયુલન્સને પણ સારવાર આપવી પડે.
સ્થાનિક નગરસેવક અને તંત્રને રજૂઆત કરી છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી
સ્થાનિક લોકો ચોમાસા દરમિયાન હાલ ખરાબ રોડના કારણે પરેશાન થયા છે. બાળકોને શાળાએ જવુ હોય તો મુશ્કેલી પડે છે તો વૃદ્ધો ઘરની બહાર નીકળી શકતા નથી. વાહન ચાલકો પણ રોડની વચ્ચે ગાડી ચલાવવાની બદલે રોડની સાઈડમાં ગાડી હંકારે છે. સ્થાનિકો દ્વારા આ બાબતે સ્થાનિક નગરસેવક અને તંત્રને રજૂઆત કરી છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. માત્ર ત્યાં મુલાકાત લઈ અધિકારીઓ જતા રહે છે અને થઈ જશે તેવા આશ્વાસન આપે છે. ત્યારે સંદેશ ન્યૂઝ દ્વારા આ બાબતે અધિકારીનો સંપર્ક કરતા તેઓએ કેમેરા સામે કંઈ પણ કહેવાનો ઈન્કાર કર્યો હતો.