કચ્છમાં જિલ્લા પંચાયત હસ્તકનાં નાની સિંચાઇનાં ૧૭૦ ડેમ પૈકીનાં ૧૨૮ ડેમ ઉનાળાથી જ તળિયાઝાટક થઇ ગયા છે. જોકે, ૧૫ જૂનથી ચોમાસાની શરૂઆત સાથે જ કચ્છમાં વિવિધ તાલુકાઓમાં વરસાદને કારણે નાની સિંચાઇનાં કુલ ૪૨ ડેમમાં નવા નીરનું આગમન થયું છે. તો બીજીતરફ, કચ્છ સિંચાઇ વર્તુળ હસ્તકનાં ૨૦ મધ્યમ સિંચાઇનાં ડેમ પૈકી ૧૩ ડેમમાં નવા નીરનું આગમન થયું છે.


બાકીના તાલુકાઓનાં ખેડૂતોએ પિયત ઉપર જ આધાર રાખવો પડયો

કુલ ૭.૧ મિલિયન ક્યુબિક એટલે કે ૨.૮૪ ટકા પાણીની આવક થઈ છે. બે દિવસમાં વરસાદ પર નજર કરવામાં આવે તો લખતપતમાં ૨૮ મિમી, રાપરમાં ૧૪૨ મિમી, ભચાઉમાં ૭૭ મિમી, અંજારમાં ૮૫ મિમી, ભુજમાં ૭૫ મિમી, નખત્રાણામાં ૯૧ મિમી, અબડાસામાં ૫૫ મિમી, માંડવીમાં ૧૧૧ મિમી, મુન્દ્રામાં ૬૭ મિમી અને ગાંધીધામમા ૧૧૭ મિમી મળીને કુલ સરેરાશ ૮૪.૮ મિલી મીટર વરસાદ નોંધાયો હતો. નોંધનીય છે કે, જિલ્લા પંચાયત હસ્તકનાં નાની સિંચાઇનાં ૧૭૦ ડેમ કે જેમાંથી ખેડૂતોને પાક માટે પાણી આપવામાં આવતું હોય છે, પરંતુ ઉનાળા દરમ્યાન જ આ ૧૭૦ ડેમો પૈકી ૧૨૮ ડેમ તળિયાઝાટક થઇ ગયા હતા. જેને કારણે અમુક તાલુકાઓમાં જ ખેડૂતો ઉનાળુ પાક માટે સિંચાઇનું પાણી મેળવી શક્યા હતા. જ્યારે બાકીનાં તાલુકાઓનાં ખેડૂતોએ પિયત ઉપર જ આધાર રાખવો પડયો હતો. ચોમાસાનાં પ્રારંભે પણ આ ૧૨૮ ડેમમાં પાણી સીલ લેવલ કરતાં નીચે છે. જ્યારે બાકીનાં ૪૨ ડેમમાં તાજેતરમાં પડેલા વરસાદને કારણે નવા પાણીની આવક થઇ હતી.

નાની સિંચાઈના ડેમોમાં ૬૬૨૧.૪૧ એમસીએફટી પાણીની આવક

જિલ્લા પંચાયત હસ્તકનાં નાની સિંચાઇનાં ૧૭૦ ડેમની કુલ સંગ્રહ શક્તિ ૧૦,૬૯૧.૮૧ એમસીએફટી છે જ્યારે મૃત સંગ્રહ શક્તિ ૧૨૮૭.૫૭ એમસીએફટી છે. ગત ચોમાસામાં વિવિધ તાલુકાઓમાં વરસાદ સારો થયો હતો, પરંતુ અમુક તાલુકાઓમાં થોડાઘણા અંશે જ વરસાદી પાણી ડેમ સુધી પહોંચ્યા હતા, પરિણામે આ ડેમોમાં ૨૭૮૨.૮૩ એમસીએફટી પાણીનો જીવંત સંગ્રહ હતો, પરંતુ છેલ્લા બે દિવસથી જિલ્લામાં સર્વત્ર વરસાદ પડતાં ૬૬૨૧.૪૧ એમસીએફટી પાણીની આવક થતાં પાણીનો જીવત સંગ્રહ ૯૪૦૪.૨૪ એમસીએફટી થયો છે.

ચોમાસાનાં પ્રારંભે નાની સિંચાઇનાં ૧૨૮ ડેમ તળિયાઝાટક હતા

ચોમાસાનાં પ્રારંભે નાની સિંચાઇનાં ૧૭૦ ડેમ પૈકી ૧૨૮ ડેમ હાલે તળિયાઝાટક જોવા મળી રહ્યા છે, તેમાં મુખ્યત્વે ભુજ તાલુકાનાં ૩૫ ડેમમાંથી ૨૫ ડેમ, અંજારમાં ૧૨ ડેમમાંથી ૧૦ ડેમ, માંડવીમાં ૨૧ ડેમમાથી ૧૦ ડેમ, મુન્દ્રામાં ૧૧ ડેમમાંથી ૭ ડેમ, નખત્રાણામાં ૧૬ ડેમમાંથી ૧૫ ડેમ, લખપતમાં ૧૭ ડેમમાંથી ૧૫ ડેમ, અબડાસાનાં ૨૪ ડેમમાંથી ૧૯, રાપરનાં ૧૬ ડેમમાંથી ૧૧ અને ભચાઉનાં ૧૮માંથી ૧૬ ડેમમાં સીલ લેવલ કરતાં પણ નીચું પાણી જોવા મળી રહ્યું છે.

નાની સિંચાઈના ૪૨ ડેમમાં હાલ સીલ લેવલથી ઉપર પાણી

હાલનાં સમયે નાની સિંચાઇનાં સીલ લેવલથી ઉપર ભરાયેલા ડેમો પર નજર કરવામાં આવે તો ભુજ તાલુકાનાં ૧૦ ડેમ, અંજાર તાલુકાનાં ૨ ડેમ, માંડવી તાલુકાનાં ૧૧ ડેમ, મુન્દ્રા તાલુકાનાં ૪ ડેમ, નખત્રાણા તાલુકાનો ૧ ડેમ, લખપત તાલુકાનાં ૨ ડેમ, અબડાસા તાલુકાનાં ૫ ડેમ, રાપર તાલુકાનાં ૫ ડેમ અને ભચાઉ તાલુકાનાં ૨ મળી કુલ ૪૨ ડેમનો સમાવેશ થાય છે. આ ડેમો સિંચાઇ માટે પાણી આપી શકાય તેવી સ્થિતિમાં આવી ગયા છે.

૧૭૦ ડેમોમાં હાલના સમયે હયાત પાણીનો જથ્થો

જિલ્લા પંચાયત હસ્તકનાં નાની સિંચાઇનાં તમામ ડેમમાં હયાત પાણીનાં જથ્થા ઉપર નજર કરવામાં આવે તો ભુજનાં ૩૫ ડેમમાં ૪૪.૭૯ એમસીએફટી, અંજારનાં ૧૨ ડેમમાં ૪.૯૮ એમસીએફટી, માંડવીનાં ૨૧ ડેમમાં ૪૧૫.૧૧ એમસીએફટી, મુન્દ્રાનાં ૧૧ ડેમમાં ૭૯.૯૭ એમસીએફટી, નખત્રાણાનાં ૧૬ ડેમમાં ૭.૭૯ એમસીએફટી, લખપતનાં ૧૭ ડેમમાં ૩.૮૭ એમસીએફટી, અબડાસાનાં ૨૪ ડેમમાં ૧૩.૯૬ એમસીએફટી જ્યારે રાપરનાં ૧૬ ડેમમાં ૨૮.૭૭ અને ભચાઉનાં ૧૮ ડેમમાં ૭.૨૮ એમસીએફટી પાણીનો જીવંત જથ્થો જોવા મળી રહ્યો છે.

મધ્યમ સિંચાઇનાં ડેમમાં ૭.૧ મિલિયન ક્યુબિક પાણી આવ્યું

કચ્છમાં કચ્છ સિંચાઇ વર્તુળ હસ્તકનાં મધ્યમ સિંચાઇનાં કુલ ૨૦ ડેમમાંથી ૧૩ ડેમમાં નવા નીરનું આગમન થયંુ છે, જેમાં ટપ્પર, ગોધાતડ, નરા, નિરોણા, ભૂખી, મથલ, કાયલા, સુવઇ, કાસવતી, ગજોડ, કારાઘોઘા, ડોણ અને ફતેગઢનો સમાવેશ થાય છે. આ ડેમમાં ૭.૧ મિલિયન ક્યુબિક પાણીનું આગમન થયું છે. સરેરાશ ૨.૮૪ ટકા નવા પાણીની આવક થઇ છે. જ્યારે સાનધ્રો, રુદ્રમાતા, કંકાવટી, બેરાચિયા, ગજોણસર અને મિટ્ટી ડેમમાં હજુ સુધી નવા પાણીની આવક શરૂ થઇ નથી. જોકે, કારાઘોઘા ડેમ ૯૦ ટકા ભરાઇ ગયો હોઈ સૌથી પહેલો આ ડેમ ઓવરફ્લો થાય તેવી શક્યતાઓ છે.

  • Follow us on: