કચ્છના રાપર તાલુકામાં 2 દિવસમાં 17 ઈંચ જેટલો વરસાદ ખાબકતાં અનેક વિસ્તારો ટાપુમાં ફેરવાઈ જવાની સાથે નદી-નાળા અને ડેમ, તળાવો છલકાતાં રોડ-રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. આ દરમિયાન કેટલાક રસ્તાઓને વ્યાપક નુકસાન પહોંચવાના કારણે વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે, ત્યારે આવી સ્થિતિમાં રાપર તાલુકાના ડાવરી ગામ પાસે રોડ તૂટતાં એક 108 એમ્બ્યુલન્સ ફસાઈ હતી.
વાગડ પંથકમાં ભારે વરસાદ વરસ્યો
જોકે, સ્થળ પર હાજર ગામના લોકોએ અને પોલીસ તેમજ એમ્બ્યુલન્સના કર્મીઓએ મહિલા દર્દીને સ્ટ્રેચર પર ઉંચકીને પાણીનું વહેણ પાર કરાવ્યા બાદ 112ની મદદથી સમયસર હોસ્પિટલે પહોંચાડવામાં સફળતા મેળવી હતી. નોંધનીય છે કે ધોળાવીરાને રાપર સાથે જોડતાં મુખ્ય માર્ગ પર ડાવરી ગામ પાસે રોડ તૂટતાં ખડીર વિસ્તારમાંથી આવતી એમ્બ્યુલન્સ અટકી હોવાની જાણકારી મળતાં ડાવરી અને ખારસર વાંઢના લોકો મદદ માટે દોડી ગયા હતા અને મહિલા દર્દી સ્ટ્રેચર પર લઈને પાણીનું વ્હેણ પાર કરાવવામાં મદદરૂપ બન્યા હતા. પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે વાગડ પંથકમાં ભારે વરસાદ વરસ્યો છે. જેથી નદી, કોઝવે સહિતના સ્થળોએ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થાનિક પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તેમજ લોકોને પણ આવા સ્થળે ન જવા સૂચના આપવામાં આવી રહી છે. આ દરમિયાન પોલીસ નાગરિકોને મદદરૂપ બનવાના તમામ પ્રયાસ કરી રહી છે.
કચ્છના રાપરમાં 20 લોકોનું સ્થળાંતર
કચ્છના રાપરના માનગઢ ગામના 20 લોકોનું શેલ્ટર હોમમાં સ્થળાંતર કરાયું છે. ભારે વરસાદના લીધે ચિત્રોડ-રાપર-બાલાસર નેશનલ હાઈવે બંધ કરવામાં આવ્યો છે. વરસાદના કારણે પૂર્વ કચ્છમાં 56 વીજપોલને નુકસાન થયું છે અને 134 ફીડરને અસર થઈ છે. પશ્ચિમ કચ્છમાં 117 ફીડર અસરગ્રસ્ત થયા છે. વરસાદના કારણે પૂર્વ કચ્છમાં 18 ગામ તથા પશ્ચિમ કચ્છના 20 ગામના વીજપુરવઠાને અસર થઈ છે. હાલમાં વરસાદને લઈને લોકોને સાવચેતી રાખવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે અને અજાણ્યા રસ્તાઓ કે જગ્યાઓ પર ના જવા માટે સૂચના આપવામાં આવી છે.