ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે. આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા વરસાદને કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ડિપ્રેશન સક્રિય થતાં હવામાન વિભાગે અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. બીચ પર નહીં જવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.


કચ્છ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ

કચ્છમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા કચ્છ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. દરિયામાં ભારે પવન ફૂંકાવાની શક્યતાઓને પગલે માંડવી બીચ પ્રવાસીઓ માટે બંધ કરી દેવાયો છે. વહીવટી તંત્ર દ્વારા માંડવી બીચ પર ખાણીપીણીની લારીઓ પણ બંધ કરાવી દેવાઈ છે. બીચ તરફ જતા રસ્તાઓ પર પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

રેડ એલર્ટ જાહેર થતાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ

કચ્છ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર થતાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં ચેતવણીને ધ્યાનમાં રાખીને માંડવી બીચ પર લોકોને ન જવા અપીલ કરવામાં આવી છે.આજ સવારથી જ માંડવી બીચ પર પોલીસનો કાફલો તહેનાત કરવામાં આવ્યો છે અને બીચ પર આવતા લોકોને પરત મોકલી દેવામાં આવી રહ્યા છે. બીચની તમામ પ્રવૃત્તિઓ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવી છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.


  • Follow us on: