મહેસાણાના ખેરાલુમાં 1 કલાકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો છે. ખેરાલુમાં માર્ગો પાણીમાં તરબોળ થયા હતા. ભારે વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે. રસ્તાઓ પર પાણી ભરાતા રાહદારીઓ, વાહનચાલકોને ભારે હાલાકી પડી છે. ખેરાલુ તાલુકા સેવા સદન કચેરી પાસે ઢીંચણસમા પાણી ભરાયા છે. ખેરાલુ નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી પ્રિ મોન્સુનની કામગીરી નિષ્ફળ નિવડી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.


ખેરાલુમાં 1 કલાકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો

ઊંઝામાં ધોધમાર વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ભારે વરસાદથી ઊંઝાનો અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થયો છે. અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહનવ્યવહાર બંધ કરાયો છે. ખેરાલુમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો છે. સતત બે દિવસથી વરસી રહેલા વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. બે દિવસથી પડી રહેલા વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે.

આગામી સાત દિવસ વરસાદની શક્યતાઓ

હવામાન વિભાગ પ્રમાણે રાજ્યમાં હાલમા ત્રણ સિસ્ટમ સક્રિય હોવાથી આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી સાત દિવસ પણ વરસાદની શક્યતાઓ છે. હવામાન વિભાગે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. કચ્છ, જામનગર, દ્વારકા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

  • Follow us on: