ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં છેલ્લા છ દિવસથી સતત વરસી રહેલા કમોસમી વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. મહુવાના સેદરડા ગામમાં તો વરસાદે ગંભીર સમસ્યા ઊભી કરી છે. જ્યાં વાડી વિસ્તારમાં રહેતા લોકોનો મુખ્ય અવરજવરનો માર્ગ વરસાદી પાણીમાં ધોવાઈ ગયો છે. સેદરડા ગામના વાડી વિસ્તારમાં આશરે 40થી 50 પરિવારોનો વસવાટ છે. આ પરિવારોને ગામમાં અથવા ખેતરમાં જવા માટે એકમાત્ર આ રસ્તો જ ઉપયોગી હતો.


વાડી વિસ્તારમાં અવરજવરનો રસ્તો પાણીમાં ધોવાયો

સતત છ દિવસથી પડી રહેલા વરસાદને કારણે નાના-મોટા ચેકડેમો અને નદી-નાળાઓમાં પાણીની આવક વધી છે અને આ જ પાણીના પ્રવાહમાં વાડી વિસ્તારને જોડતો આ મુખ્ય રસ્તો સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે. રસ્તો ધોવાઈ જતાં વાડી વિસ્તારના આ પરિવારોને ગામમાં અવરજવર કરવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં આ લોકો જીવના જોખમે ધોવાયેલા રસ્તાને પાર કરવા મજબૂર બન્યા છે.

40 થી 50 પરિવારનો વાડી વિસ્તારમાં વસવાટ

કારણ કે તેમની પાસે બીજો કોઈ વિકલ્પ ઉપલબ્ધ નથી. જો તંત્ર દ્વારા તાત્કાલિક કોઈ પગલાં લેવામાં ન આવે તો કોઈ મોટો અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે. આ ગંભીર સમસ્યા અંગે ગામના સરપંચ દ્વારા પ્રાંત અધિકારીને લેખિત અને મૌખિક જાણ કરવામાં આવી છે. સ્થાનિકોએ સરકાર અને તંત્રને તાત્કાલિક ધોરણે આ રસ્તાનું સમારકામ હાથ ધરવા અને લોકોને જીવના જોખમે મુસાફરી કરવાથી મુક્તિ અપાવવા માટે તાકીદ કરી છે.


  • Follow us on: