રાજ્યમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. તોફાની બેટિંગના કારણે મોટા ભાગના પંથકો પાણીમાં ગરકાવ થયા છે. વરસાદી પાણી ભરાતા સ્થાનિકો પરેશાન છે. અને હાલાકી ભોગવી રહ્યા છે. અતિ ભારે વરસાદના કારણે નદીઓ, જળાશયો અને ડેમમાં નવા નીરની આવક થઇ છે. નદીઓ બન્ને કાંઠે વહેતી થઇ છે. અને રસ્તાઓ પર નદીઓ જેવું વહેણ દેખાઇ રહ્યુ છે. વાહન ચાલકો પરેશાન છે. પાણી અને ખાડામાં વાહનો ફસાઇ રહ્યા છે. તેમ છતા તંત્રના પેટનું પાણી હલતુ નથી. અને તેઓ રહીશોની મદદ કરવા માટે તત્પરતા બતાવી નથી રહ્યા.
ક્યાં કેટલો ઇંચ વરસાદ ?
બપોરે 12 વાગ્યા સુધી 101 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સુરતના મહુવામાં 4.65 ઈંચ વરસાદ નોંધાયો છે. તો વિસાવદરમાં 4.13 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો આ તરફ, ચીખલીમાં 4 ઈંચ વરસાદ જોવા મળ્યો હતો. ખેરગામમાં 3.94 ઈંચ, બારડોલીમાં 3.46 ઈંચ વરસાદ નોંધાયો છે. કામરેજમાં 3 ઈંચ, ડોલવણમાં 2.44 ઈંચ વરસાદ નોંધવામાં આવ્યો છે. ગણદેવીમાં 2.40 ઈંચ, પારડીમાં 2.24 ઈંચ, વાલોદમાં 2.20 ઈંચ અને વિજાપુરમાં 2.17 ઈંચ વરસાદ નોંધાયો છે.
સમગ્ર પંથક થયું પાણી પાણી
રાજ્યમાં વરસેલા વરસાદે તારાજી સર્જી છે. રહેણાંક વિસ્તાર અને બજારોમાં પાણી ભરાયા છે. જેના કારણે ઘર વખરી અને દુકાનના સામાનને મોટું નુકસાન પહોંચ્યુ છે. આ વરસાદના કારણે તંત્રના પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે. તંત્રની કામગીરી નિષ્ક્રિય સાબિત થઇ છે. અને સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે. રહીશોનો રોષ તંત્ર સામે જોવા મળ્યો છે. અંતરિયાળ ગામડાંઓ સંપર્ક વિહોણા થયા છે. તેથી તેમના સુધી મદદ પહોંચવી મુશ્કેલ સાબિત થઇ રહી છે.