મોરબી જિલ્લાના મોરબી અને ટંકારા તાલુકામાં ફરી એકવાર કમોસમી ધોધમાર વરસાદ વરસતાં ખેડૂતો માટે પડતા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ છે. અચાનક વાતાવરણમાં આવેલા પલટાને કારણે તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પણ જોરદાર માવઠું પડ્યું છે. જેના કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાની થવાની શક્યતા છે. આ કમોસમી વરસાદના કારણે જગતનો તાત ભારે ચિંતામાં મુકાયો છે. મોરબી અને ટંકારા પંથકમાં મુખ્યત્વે મગફળી અને કપાસના પાકનું વાવેતર થાય છે અને હાલમાં બંને પાક તૈયાર થવાની કે લણણીની તૈયારીમાં હતા.


ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને પગલે ખેડૂતો ચિંતિત

ખેતરોમાં મગફળીના પાથરા પાથરીને તેને સૂકવવાની કામગીરી ચાલતી હતી. ધોધમાર વરસાદના કારણે આ મગફળી સંપૂર્ણપણે પલળી ગઈ છે. પાણી લાગવાથી મગફળીનો દાણો કાળો પડી જવાની અને સડી જવાની ભીતિ છે. જેના કારણે ખેડૂતોને 100 ટકા જેટલું નુકસાન થવાનો ડર છે. કપાસનો તૈયાર થયેલો રૂ પણ વરસાદના કારણે જમીન પર પડી ગયો છે. પાણી લાગવાથી કપાસનો રૂ પીળો કે કાળો પડી જાય છે. જેનાથી તેની ગુણવત્તા બગડે છે અને બજારમાં યોગ્ય ભાવ મળતો નથી.

વરસાદથી ખેતી પાકને નુકશાની થવાની શક્યતા

વધુ વરસાદથી છોડમાં રહેલા કપાસિયા ઉગી નીકળવાની પણ શક્યતા છે. જે પાકને નિષ્ફળ બનાવે છે. ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા પરંતુ ખેડૂતો માટે આ પાણી આશીર્વાદ નહીં પણ આફત બનીને આવ્યું છે. તૈયાર પાકને નુકસાન થતાં ખેડૂતોની વર્ષભરની મહેનત પાણીમાં ગઈ છે. ખેડૂતો હવે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે પાક નુકસાનીનો સર્વે કરીને યોગ્ય અને પૂરતું વળતર ચૂકવવામાં આવે તેવી આશા રાખી રહ્યા છે.


  • Follow us on: