હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી માવઠાની આગાહીના પગલે પોરબંદર જિલ્લાના વાતાવરણમાં અચાનક મોટો પલટો જોવા મળ્યો હતો. પોરબંદર નજીક આવેલા પ્રખ્યાત માધવપુર સહિત આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદી ઝાપટું વરસ્યું હતું. વરસાદ શરૂ થતાં પહેલાં આકાશમાં અચાનક કાળા ડીબાંગ વાદળો છવાઈ ગયા હતા. જેના પગલે દિવસ દરમિયાન અંધારપટ જેવું વાતાવરણ સર્જાયું હતું.
હવામાન વિભાગની આગાહીને પગલે વરસાદ
થોડી જ વારમાં માધવપુર અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદી ઝાપટું વરસતાં રસ્તાઓ પર અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. કમોસમી વરસાદને કારણે એક તરફ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જેનાથી લોકોને ગરમી અને બફારામાંથી રાહત મળી હતી. જોકે બીજી તરફ ખેડૂતોમાં ચિંતાનો માહોલ ફેલાયો છે. હાલમાં ખેતરોમાં ઊભો પાક લણણીના આરે હોય અથવા લણાઈ ગયો હોય ત્યારે કમોસમી વરસાદ પાકને ભારે નુકસાન પહોંચાડી શકે છે.













