રાજકોટમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી. રાજકોટ જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે નદીનાળા છલકાયા. નદી અને ડેમમાં પાણીની આવક વધતા ભાદર ડેમ છલકાયો. ઉપરવાસમાં ભારે વરસાદથી ભાદર નદી ગાંડીતુર થઈ છે. અને ભાદર ડેમમાં 1315 ક્યુસેક પાણીની આવક થઈ. ડેમમાં પાણીનું જળસ્તર વધતા એક દરવાજો 1 ફૂટ ખોલવામાં આવ્યો. નદી અને ડેમમાં પાણીની આવક વધતા આસપાસના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.


નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા

રાજ્યમાં ગત સપ્તાહથી ચોમાસાનું વિધિવત આગમન થઈ ગયું છે. રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે. અને આ સપ્તાહમાં અનેક વિસ્તારોમાં વરસાદનું જોર જોવા મળી રહ્યું છે. રાજકોટમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારેથી અતિભારે વરસાદનું જોર રહેતા નદી-નાળા છલકાયા. ભારે વરસાદને પગલે ભાદર નદીના જળસ્તરમાં વધારો થતા કાંઠાના ગામોને એલર્ટ કરાયા છે.

લોકોને સાયરન વગાડી સચેત કરાયા

ભાદર નદીકાંઠા વિસ્તારમાં રહેતા લોકોને સાયરન વગાડી સચેત કરવામાં આવ્યા. ભારેવરસાદનું જોર રહેતા ભાદરના ડેમ છલકાતા 1 દરવાજો ખોલવામાં આવ્યો છે. લોકોને નદીના પટમાં અવર જવર ન કરવા અપીલ કરવામાં આવી છે. વરસાદને પગલે પ્રથમ સિઝનમાં જ સારો વરસાદ થતા ડેમમાં પાણીની સારી આવક થતા 45 ગામને પીવા અને સિંચાઈના પાણીનો પ્રશ્ન હલ થયો છે. ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો.

સાર્વત્રિક ભારે વરસાદની આગાહી

જણાવી દઈએ કે રાજ્યમાં આજે સાર્વત્રિક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાત, અમરેલી, ભાવનગર, બોટાદ, વડોદરા, આણંદ, ભરૂચ, પંચમહાલ, આણંદ, દાહોદ, મહીસાગર, નવસારી, વલસાડ, દમણમાં ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. જ્યારે કચ્છમાં આજે અતિભારે વરસાદનું ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત બનાસકાંઠા,સાબરકાંઠા,મહેસાણા, ખેડા, છોટા ઉદેપુર, નર્મદા,સુરત, નર્મદા, ડાંગ, તાપી, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથમાં યલો એલર્ટ જારી કરાયું છે. જ્યારે આજે અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદ રહેશે. દરિયાકાંઠામાં ભારે વરસાદને પગલે માછીમારોને 3 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાંઆવી છે.

  • Follow us on: