રાજકોટમાં આગામી ઓગસ્ટ મહિનામાં યોજાનારા લોકમેળાની તૈયારીઓનો ધમધમાટ શરૂ થયો છે. આવતીકાલે રાઈડ સંચાલકોને ફોર્મ જમા કરાવવા માટેની છેલ્લી તારીખ છે. અત્યાર સુધીમાં એક પણ રાઈડ સંચાલકે ફોર્મ જમા કરાવ્યું નથી. આ ઉપરાંત કુલ 120માંથી માત્ર 15 ફોર્મ જ તંત્રને મળ્યાં છે. કોઈ ફોર્મ જમા નહીં કરાવે તો તારીખ લંબાય તેવી શક્યતાઓ છે. રેસકોર્સમાં યોજાનારા લોકમેળાને લઈને વિવાદ સર્જાયો છે.


એકપણ અરજદારે હજી સુધી ફોર્મ જમા કરાવ્યા નથી

પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજકોટમાં આગામી ઓગસ્ટ મહિનામાં યોજાનારા લોકમેળાનો વિવાદ વકરી રહ્યો છે. આવતીકાલે રાઈડ સંચાલકો માટે ફોર્મ જમા કરાવવાની અંતિમ તારીખ છે. રાઈડ સંચાલકો પૈકી એકપણ અરજદારે હજી સુધી ફોર્મ જમા કરાવ્યા નથી. આવતીકાલે છેલ્લા દિવસે કેટલા ફોર્મ જમા થાય છે તેના પર લોકમેળાનો આધાર હોવાનું જાણવા મળ્યું છે. આ મેળામાં જો રાઈડ સંચાલકો ભાગ નહીં લે તો રમકડા અને ખાણીપીણીના સ્ટોલ ધારકો પણ ફસકી જાય તેવી ચર્ચાઓ થઈ રહી છે.

120 ફોર્મ ઉપડ્યા હતાં જેમાંથી માત્ર 15 જ ફોર્મ તંત્રને મળ્યાં

રાજકોટમાં મેળા માટે અત્યાર સુધીમાં 120 ફોર્મ ઉપડ્યા હતાં જેમાંથી માત્ર 15 જ ફોર્મ તંત્રને મળ્યાં છે. આવતીકાલે છેલ્લી તારીખ હોવાથી કોઈ ફોર્મ નહીં આવે તો ફોર્મ જમા કરાવવાની મુદ્દત વધે તેવી શક્યતાઓ છે. રેસકોર્સમાં યોજાનારા લોકમેળાનો વિવાદ વધુ વકરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. અગાઉ મેળા એસોસિએશન દ્વારા કેટલીક માગો મુદ્દે સરકારને ચીમકી ઉચ્ચારાઈ હતી. પરંતુ સરકારે તેમની માગો અંગે કોઈ નિર્ણય લીધો હોય તેવું સામે આવ્યું નથી.


  • Follow us on: