રાજકોટમાં સામાન્ય વરસાદમાં તંત્રની પોલ ખુલી. રાજકોટ-કેશોદ જતી ખાનગી ટ્રાવેલ્સ બસ ધોરાજીમાં પાણીના ખાડામાં ભરાઈ ગઈ. ધોરાજીમાં ખાનગી ટ્રાવેલ્સ બસ ઊંડા ખાડામાં ફસાતા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. બસ પાણીમાં ફસાઈ જતા તમામ મુસાફરોને ધોરાજી પાસે નીચે ઉતારવામાં આવ્યા. દરમિયાન લકઝરી બસના માલિકો અને સ્થાનિકો દ્વારા બસ કાઢવાના પ્રયાસ હાથ ધરાયા હતા. લકઝરી બસ ફસાતા મુસાફરોએ હાલાકીનો સામનો કરવો પડયો.


ધોરાજીમાં ડાયવર્ઝન પર  બસ ખાડામાં ફસાઈ

ગઈકાલથી રાજ્યના અનેક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદનું જોર જોવા મળ્યું. રાજકોટમાં પણ ગઈકાલે વરસાદનું આગમન થતા લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળી હતી. પરંતુ વરસાદમાં રાહતની સાથે કેટલાક લોકોએ આફતનો પણ સામનો કરવો પડ્યો. ગઈકાલે રાજકોટથી કેશોદ તરફ જતી ખાનગી ટ્રાવેલ્સ બસ ખાડામાં ફસાઈ જવાની ઘટના સામે આવી. આ ખાનગી બસમાં અંદાજ મુજબ 35 થી પણ વધુ લોકો મુસાફરી કરી રહ્યા હતા. અને બસ ધોરાજી પાસેથી પસાર થતી હતી ત્યારે ડાયવર્ઝન પર ખાડામાં ફસાઈ ગઈ.

મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડયો

ધોરાજીથી જુનાગઢ તરફ અને જુનું ટોલ નાકું છે જ્યાં ડાયવર્ઝન છે જ્યાં ગતરોજ સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ ગયું અને બસ ખાડામાં ફસાઈ. આ ડાયવર્ઝન નામ પૂરતો જ આપવામાં આવ્યો હોવાનું લોકો કહી રહ્યા છે. કારણ કે અનેક વખત આ ડાયવર્ઝન વાહનચાલકો માટે માથાનો દુઃખાવો બન્યો છે. બસ ખાડામાં પડી જતા આ ખાનગી ટ્રાવેલ્સ સવાર પેસેન્જરો અને ડ્રાઈવર સહિત ક્લીનરનો આબાદ બચાવ થયો. દોઢ થી બે કલાક સુધી પેસેન્જરોએ તેમના ઇચ્છિત સ્થાન પર જવા રાહ જોવી પડી હતી. 

વહીવટીતંત્ર યોગ્ય કામગીરી કરે તેવી અપીલ

આખરે બે કલાકની ભારે જહેમત બાદ ખાનગી ટ્રાવેલ્સ બસને બહાર કાઢવામાં આવી હતી. આ મામલે મુસાફરોએ કહ્યું કે હજુ ચોમાસુ શરૂ થયું છે ત્યાં રોડ અને રસ્તાની આવી સ્થિતિ છે.  તો આગામી સમયમાં ધોધમાર અને ભારે વરસાદમાં લોકોની કેવી કફોડી હાલત થશે. ચોમાસું સત્ર તો બાકી છે તો લોકોનું શું થાશે એ તો ભગવાન ને જ ખબર. મુસાફરી કરનાર લોકોએ સરકારને અપીલ કરી કે વિકાસની ફાંકી વાતો ના કરે પરંતુ વહીવટીતંત્ર યોગ્ય કામગીરી પણ કરે. જેથી લોકોને ફરી આવી મુશ્કેલીઓનો સામનો ના કરવો પડે.

  • Follow us on: